Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ભાવનગર જિલ્લાની મુલાકાતે : સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને નિર્માણાધીન બિલ્ડીંગોની મુલાકાત લઇ આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરી

નાનામાં નાની ટેકનીકલ બાબતો વિષેની જાણકારી મેળવીને સુધારા વધારા માટેના ઉપયોગી સૂચનો કર્યા

ભાવનગર તા.૩ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધાર્યા છે.

 તેમણે તેમની મુલાકાતની શરૂઆત બપોર બાદ સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને નિર્માણાધીન બિલ્ડીંગોની સ્થળ મુલાકાત અને નિરીક્ષણ દ્વારા કરી હતી.

આ મુલાકાતમાં તેમની સાથે શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે તથા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી  પણ જોડાયાં હતાં.

નાયબ મુખ્યમંત્રી સર ટી. હોસ્પિટલ ખાતે બંધાઈને તૈયાર થયેલ કેન્સર હોસ્પિટલ, બની રહેલ પ્રધાનમંત્રી સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ અને બનનાર મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થ કેર હોસ્પિટલની સમીક્ષા સર ટી. હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક અને વિવિધ વિભાગોના મેડિકલના વડાઓ સાથે કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ કોરોના કાળમાં અગ્રીમ હરોળના સૈનિકો એવાં તબીબી અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા દરિદ્રનારાયણની અને દર્દીઓની કરવામાં આવેલી સેવાઓને બિરદાવી હતી.

શ્રી નીતિનભાઇ પટેલે નિર્માણ થઇ રહેલી બિલ્ડીંગની પ્રત્યક્ષ મુલાકાત લઈ બિલ્ડીંગની નાનામાં નાની ટેકનીકલ બાબતો વિષેની જાણકારી મેળવી હતી અને સુધારા વધારા માટેના ઉપયોગી સૂચનો કર્યા હતા.

આ મુલાકાત વેળાએ તેમની સાથે કલેકટરશ્રી યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા, ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. નિલેશ પારેખ, વિવિધ વિભાગોના વડાઓ તથા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

(4:43 pm IST)