Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ભાવનગર સર ટી. હોસ્પિટલના કેન્સર વિભાગમાં રૂ. ૨૫ કરોડનાં ખર્ચે વસાવવામાં આવેલ કેન્સરની આધુનિક સારવાર માટેના સાધનો-ઉપકરણોનું નિરીક્ષણ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ : આ નવા સાધનોથી હવે ત્રણેય પદ્ધતિથી કેન્સરની સારવાર સર ટી. હોસ્પિટલમાં શક્ય બનશે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજે તેમની ભાવનગર જિલ્લાની મુલાકાતની શરૂઆત સર ટી. હોસ્પિટલ ખાતે આવેલ કેન્સર વિભાગની મુલાકાતથી કરી હતી.

 આ મુલાકાતમાં તેમની સાથે શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે તથા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી  પણ જોડાયાં હતાં.

 કેન્સર વિભાગમાં કેન્સરની આધુનિક સારવાર માટે નવા વસાવવામાં આવેલ રૂ. ૨૫ કરોડના વિવિધ સાધનો-ઉપકરણોનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. તેમણે આધુનિક સારવાર સાધનો અંગેની માહિતી કેન્સર હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો પાસેથી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, કેન્સરની સારવાર ત્રણ પદ્ધતિથી કરવામાં આવે છે. જેમાં કિમોથેરાપી, રેડિયોથેરાપી અને છેલ્લે કેન્સર સર્જરી દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે છે. કેન્સર હોસ્પિટલમાં મુકવામાં આવેલા આ નવા સાધનોથી હવે ત્રણેય પદ્ધતિથી કેન્સરની સારવાર સર ટી. હોસ્પિટલમાં શક્ય બનશે.

 કેન્સર હોસ્પિટલમાં કેન્સરની આધુનિક સારવાર માટે ૩ નવા સાધનો મૂકવામાં આવ્યા છે. આ ઉપકરણો ખર્ચાળ હોય છે અને બધી જગ્યાએ તે ઉપલબ્ધ હોતાં નથી.આજે જે સાધનો કેન્સર હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા છે તેમાં...

સીટી સ્કેન સીમ્યુલેટર:-  આ સાધન સીટી સ્કેન માટેનું આધુનિક વર્ઝન છે.જેનાથી સારામાં સારી રીતે સીટી સ્કેન થઈ શકે છે. 

બ્રેકી થેરાપી ( રેડિયોથેરાપી )મશીન:-  આ સાધનના ઉપયોગ દ્વારા રેડિયોથેરાપીનો ઉપયોગ કરીને શરીરના કોઈ ચોક્કસ ભાગ ઉપર કેન્દ્રિકરણ કરીને સફળતાથી નાનામાં નાના વિસ્તારની રેડિયોથેરાપી કરી શકાય છે.

લિનિયર એક્સેલેટર:-  આ સાધન દ્વારા શરીરના મોટા એરિયા પર ફોકસ કરી શકાય છે. જેનાથી શરીરના મોટાં કેન્સરગ્રસ્ત ભાગની સરળતાથી સારવાર કરી શકાય છે.

આમ, સર ટી. હોસ્પિટલમાં આ નવા સાધનો- ઉપકરણો આવવાથી ભાવનગર શહેર અને જિલ્લાના નાગરિકોને કેન્સરની અતિ આધુનિક સારવાર સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બનશે તેવો વિશ્વાસ નાયબ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ મુલાકાત વેળાએ તેમની સાથે કલેકટરશ્રી યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા, ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. નિલેશ પારેખ, વિવિધ વિભાગોના વડાઓ તથા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

(4:46 pm IST)