Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કચ્છના રાપર તા.માં પીવાના પાણી માટેના પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ કરવા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની તાકીદ : રૂ.૪૯.૨૪ કરોડના સુવઈ ડેમ પ્રોજેકટની લીધી મુલાકાત

ભુજ : પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે રાપર તાલુકાના કંથકોટ ખાતે રૂ.૪૯.૨૪ કરોડના સુવઈ ડેમ પ્રોજેકટની મુલાકાત લઇ પીવાના પાણીના પ્રશ્નો અને પ્રોજેકટની જાત માહિતી મેળવી હતી.

પાણી પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીએ રાપર તાલુકામાં સુવઈ ડેમ આધારિત જુથ પાણી પુરવઠા યોજના હેઠળ સરફેસ સોર્સ દ્વારા મળનારા પીવાના શુધ્ધ પાણીની વિગતો વિગતે મેળવી હતી.
મંત્રીએ આ તકે લાભાર્થી ગામોના સરપંચશ્રી કંથકોટના ખેંગારભાઇ સંઘાર, જડશાના રૂપાભાઇ કોળી તેમજ વામકા, હાલરા, તોરણીયા તેમજ રામપર અને વીજપરાના સરપંચશ્રી સાથે પાણી પ્રોજેકટ મુદે્ સમીક્ષા કરી હતી.
ભચાઉ ૮ અને રાપરના ૧૪ છેવાડાના ગામો અને ૨૮ વાંઢના સુવઈ ડેમ પ્રોજેકટની પાણીની સુવિધા મળશે. રાપર તાલુકાના કંથકોટમાં આવેલો સુવઇ ડેમ નર્મદા કેનાલ સાથે જોડાયેલ છે. જેથી આ ડેમમાં ઓછા વરસાદના કારણે પાણી ના હોય તો પણ આ ડેમ નર્મદા પાણીથી ભરી શકાય છે. રાપર અને ભચાઉ તાલુકાના ગામો જયાં સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર પીવાના પાણીની સુવિધા ન હતી તેને પીવાનું શુધ્ધ પાણી મળશે.
ઉપસ્થિત પાણી પુરવઠાના અધિક્ષક ઈજનેર વનરાને તેમજ પ્રોજેકટ સંભાળતી કંપનીના અધિકારીઓને મંત્રીએ ડિસેમ્બર ૨૦૨૧ સુધી આ કામગીરી સત્વરે પુરી કરવા જણાવ્યું હતું.
આ તકે મંત્રીએ પ્રગતિમાં છે એવા કામો પૈકી સંપ પર કામગીરીનું જાત નિરીક્ષણ કર્યુ હતું. કચ્છ જિલ્લાના રાપર ભચાઉ તાલુકાના પાણી બાબતે જાત મુલાકાતે આવેલ મંત્રીએ રસ્તામાં રામવાવ ત્રંબો રોડ પર રામવાવ ખાતે ચાલી રહેલી પાઇપલાઇન બાબતે નિરીક્ષણ કરી કામગીરી બાબતે વિભાગના અધિકારીને પૃચ્છા કરી હતી. તેમજ ત્રંબો ગામ ખાતે સરપંચશ્રી કેશાભાઇ કોળી, અગ્રણી હિરાભાઇ કોળી, ડોલરભાઇ ગોર, નાનજીભાઇ કોળી, રામદેવભાઇ ગોર સાથે સ્થળ મુલાકાત લીધી હતી. ત્રંબો ખાતે મંત્રીશ્રીએ ગામ અગ્રણીઓ સાથે પાણી અંગે ચર્ચા કરી હતી.
કંથકોટ સાથે મંત્રી સાથે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, અગ્રણીશ્રી અરજણભાઇ રબારી,  કાનજીભાઇ ગોહિલ, ખેડુકા વાંઢના ભીખાભાઇ અણદાભાઇ ગોહિલ, ભચાઉ ડેપ્યુટી ઈજનેર આર.જે.જાડેજા, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી સૌરભ શાહ, સબ ડિવીઝન રાપરના એમ.બી. પરમાર, વાયકોસ કંપનીના નિરવભાઇ, લાલજીભાઇ, દુષ્યંતભાઇ તેમજ યશ કંપનીના વાસુભાઇ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

(7:09 pm IST)