Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબી જિલ્લામાં વિવિધ પ્રજાકીય પ્રશ્નો તેમજ વિકાસના કાર્યોનું મંત્રીએ મૂલ્યાંકન કર્યું

મંત્રી વાસણભાઇની અધ્યક્ષતામાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથે બેઠક

મોરબી જિલ્લામાં પ્રજાકીય પ્રશ્નોનું નીરાકરણ લાવવાના હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલ બેઠકમાં મંત્રી વાસણભાઇ આહિરે પ્રજાના પ્રતિનિધિઓ, પદાધિકારીઓના મોરબી જિલ્લાના વિવિધ વહિવટી પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે અધિકારીઓને આદેશો આપી મંજૂર થયેલા કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે તાકીદ કરી હતી. આ સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગામડાઓમાં આંતરીક રસ્તાઓ, નગરપાલિકા હસ્તકના જીવન જરૂરિયાતના પ્રાથમિક કામો, ટ્રાફિક, રસ્તાઓ, આરોગ્ય, રસીકરણ અભિયાન, તાલુકા આયોજન અને એટીવીટીના કામો, ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરવાના રહેતા કામો સહિત પ્રજાને કનડગત થતાં અન્ય પ્રશ્નો તેમજ સમસ્યાઓ અંગે વાકેફ થઇ તેનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રશ્નોના નીરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરી અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.
 આ બેઠકમાં ઉપસ્થિત પ્રજાના પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓને મોરબી જિલ્લાના વિવિધ વહિવટી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મક્કમતાથી પ્રજાહિતના કાર્યો પૂર્ણ કરવા અને પ્રજાની સુખાકારી માટે સતત પ્રયાસરત રહેવા મંત્રી વાસણભાઇ આહિરે અનુરોધ કર્યો હતો.
  આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા ભાજપના સર્વે મહામંત્રીઓ, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી

(9:37 pm IST)