Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જમીન વિકાસ બેંક રાજકોટ - મોરબી જિલ્લા ડીરેકટરના ઉમેદવાર જાડેજાને પ્રતિસ્પર્ધી ઉમેદવારે ટેકો જાહેર કર્યો : હરદેવસિંહ બિનહરીફ થશે

વાંકાનેર શાખાના જિલ્લા પ્રતિનિધિ કોટડાનાયાણીના દશરથસિંહ સજ્જનસિંહ જાડેજાએ પણ ઉમેદવારી દાખવી હતી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩ : જમીન વિકાસ બેંકની આગામી તારીખ ૭ના ચુંટણી યોજાનાર હોય રાજકોટ મોરબી જિલ્લાના ડિરેકટર તરીકે ગોંડલના હરદેવસિંહ જાડેજા અને વાંકાનેરના દશરથસિંહ જાડેજા એ ઉમેદવારી નોંધાવી હતી દરમિયાન દશરથસિંહ જાડેજા દ્વારા હરદેવસિંહ જાડેજાને ટેકો જાહેર કરવામાં આવતા જમીન વિકાસ બેન્કના ચૂંટણીના સમીકરણો બદલાવા પામ્યા છે. આમ થવાથી હરદેવસિંહ જાડેજા બીનહરીફ થશે.

આ તકે વાંકાનેર શાખાના છેલ્લા ૧૮ વર્ષથી પ્રતિનિધિત્વ કરતા દશરથસિંહ સજ્જનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ વીતી જવા પામી છે પરંતુ ગોંડલના હરદેવસિંહ જાડેજા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ સર્વેને સાથે રાખી ખેડૂતના હિતમાં કાર્યો કરશે તેથી અમારા ઉમેદવારીમાંથી ખસી જઈ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યને સાંસદ મોહનભાઇ કુંડારીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા તેમજ દિનેશભાઈ ભૂવા સહિતનાઓ દ્વારા બિરદાવામાં આવ્યું છે. જયારે હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દશરથસિંહ જાડેજા દ્વારા જે વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો છે તેમાં કયારેય પણ કચાસ રાખવામાં આવશે નહીં, આ તકે યુવા ભાજપ અગ્રણી ગણેશસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.

(11:54 am IST)