Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વાંકાનેર નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ સેવાસેતુમાં હજજારો લોકોએ લાભ લીધો

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩ :.. અગાઉથી જાહેર થયેલા નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા અત્રેના દિવાનપરામાં આવેલ મ્યુનિસીપાલીટી સંચાલીત ગર્લ્સ હાઇસ્કુલમાં 'સેવાસેતુ' કાર્યક્રમ પ્રાંત અધિકારી શ્રી એ. એચ. શીરેસીયાની અધ્યક્ષતામાં યોજાયેલ જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો હજજારો લોકોએ લાભ લીધો હતો.

કાર્યક્રમના પ્રારંભે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી સેવાસેતુ કાર્યક્રમ નિયત સમયે સવારે નવ વાગ્યે ખુલ્લો મુકાયો હતો.

આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણી, રમેશભાઇ વોરા, કારોબારી ચેરમેન સુનિલભાઇ મહેતા, ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય ગીતાબેન ચાવડા, પ્રાંત કચેરીના મદદનીશ અધિકારી એ. બી. પરમાર, નગરપાલીકાના અધિકારીઓ અશોકભાઇ રાવલ, દિપકસિંહ ઝાલા, મહેશભાઇ ચાવડા ઉપરાંત ગર્લ્સ હાઇસ્કુલના શિક્ષક ભાઇ-બહેનો વન વિભાગના અધિકારીઓ, આરોગ્ય ખાતના ડોકટર અને સ્ટાફ, સમાજ કલ્યાણ, પીજીવીસીએલ, બેંક, આશા વર્કર, નગરપાલિકાના કર્મચારીઓ વિગેરે ખાતાનો સ્ટાફની ઉપસ્થિતીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો સવારથી જ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.સાંજના પાંચ વાગ્યા સુધી સતત તમામ ખાતાના કર્મચારીઓએ હાજર રહી લાભાર્થીઓના કામ કર્યા હતાં. આરોગ્ય ખાતાની કામગીરી પણ ખુબ સારી રહી હતી. અહી કોરોના સામે રક્ષણ આપતી રસીનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. નગરપાલિકા અને વહીવટી તંત્ર આયોજીત સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા જીતુભાઇ સોમાણીની ટીમ અને નગર સેવકો - સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી. 

(11:59 am IST)