Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

લોકોની પીડા સંવેદનાને સમજનાર સરકાર છે : મંત્રી વાસણભાઇ આહીર

સંવેદના દિવસ જૂનાગઢ જિલ્લામાં બન્યો જનસેવાનો દિવસ જિલ્લામાં ૧૯ સેવાસેતુના કાર્યક્રમ યોજાયા : બાળ સેવા યોજનાના લાભાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણઃ આધાર કાર્ડ, અમૃતમ કાર્ડ, જાતિ પ્રમાણપત્રના દાખલા સહિતની સુવિધા અપાઇ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૩ : જૂનાગઢ જિલ્લામાં આપણી સરકારના પાંચ વર્ષ સુશાસનના અંતર્ગત સંવેદના દિવસ જનસેવાનો દિવસ બની રહ્યો હતો. જિલ્લાના ૧૯ સ્થળોએ સરકારની ૫૪ કરતા વધુ સેવાઓ ૧૯ સેવાસેતુના માધ્યમથી પહોંચાડવામાં આવી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યુ હતુ.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી વાસણભાઇ આહીર,શ્રીસરદાર પટેલ જળ સંચય યોજનાના ચેરમેનશ્રી ભરતભાઈ બોદ્યરા,મેયરશ્રી ધીરૂભાઈ ગોહિલ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ ૧૯ સેવાસેતુના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

પટેલ સમાજ જૂનાગઢ ખાતે યોજાયેલ સમારોહમાં મંત્રીશ્રી વાસણભાઇ આહિરે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને શૈક્ષણિક કીટ તેમજ અન્ય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી વાસણભાઇ આહિરે કહ્યું કે,મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણની સરકાર લોકોની પીડા સંવેદનાને સમજનાર છે. આથી જ ગંગાસ્વરૂપ સહાય યોજના,બાળ સેવા યોજના,સેવા સેતુ હોય કે ખેડૂતોને લાભ આપવાની યોજના હોય સરકાર સતત જનહિત માટે સેવારત છે.

સેવાસેતુના પ્રારંભે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર આર.એમ.તન્નાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી રચીત રાજ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા,કોર્પોરેટર સર્વેશ્રી ગીરીશભાઈ કોટેચા,ગીતાબેન પરમાર,શીલ્પાબેન જોશી,અગ્રણી નટુભાઇ પટોળીયા,શ્રીમોહનભાઇ પરમાર તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રીહારૂનભાઇ વિહળે અને આભાર વિધિ ચીફ એકાઉન્ટ ઓફિસર એમ.એન.નંદાણીયાએ કરી હતી.

(12:55 pm IST)