Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કચ્છમાં પાણી વચ્ચે સેલ્ફી લેવા જતાં બે યુવાનોના મોત : એક માંડ બચ્યો

બંને યુવાનો પરિવારના એક જ સંતાન હોઇ કલ્પાંત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : આજના યુગમાં હવે જયારે ટેકનોલોજી હાથવગી બની છે, ત્યારે તેના ઉપયોગમાં વિવેક પણ જરૂરી છે. ખાસ કરીને મોબાઈલે સામાન્ય લોકોના જીવનમાં પણ બદલાવ આણ્યો છે, ત્યારે મોબાઈલ કેમેરાનાનો ઉપયોગ અંગત પળો માટે કરવામાં કે પછી સેલ્ફી માટે કરવામાં લોકો અક્કલને ગીરવે મૂકી દે છે અને ઘણી વખત તેનું માઠું પરિણામ આવે છે.

અંજાર તાલુકામાં આવેલ જોગણીનાર મંદિરેથી ફરીને પાછા વળતા ગાંધીધામના કીડાણા ગામના ત્રણ યુવાનોને સેલ્ફી લેવાનું ભારે પડ્યું હતું. જોગણીનારથી બાઈક પર પરત કીડાણા આવી રહેલા ત્રણેય યુવાનોએ તુણા ગામ નજીક પાણી ભરેલો વિશાળ ખાડો જોઈને તેઓ પાણી સાથે પોતાની સેલ્ફી લેવા લલચાયા હતા. પણ સેલ્ફી લેવા જતાં પાણીની અંદર ઊંડા ખાડામાં પ્રણવ પ્રશાંત દુઆ (ઉ.૧૯) અને ઉમાશંકર ધર્મેશ માફુકલી (ઉ.૧૮) ડૂબી જતાં તેમના અરેરાટી ભર્યા મોત નિપજયા હતા. જયારે ત્રીજો યુવાન સાગર અનિલ દતુરામ પોહેકર (ઉ.૨૦) આબાદ બચી ગયો હતો. મૃતક બન્ને યુવાનો પરિવારના એક જ સંતાન હોઈ બન્ને પરિવારો ઉપર આભ તૂટી પડ્યું હતું.

(10:32 am IST)