Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સરકારી બાબુઓ કોરોના ભગાડે છે કે કોરોના દર્દી...

કોરોના દર્દીને દ્વારકાથી જામનગરનું ભાડુ ચુકવવું પડે છે દશ હજાર રૂપિયા

દ્વારકાના સિવિલ હોસ્પિટલના ડોકટર દર્દીને ખંભાળીયા હોસ્પિટલમાં ખસેડી અને ખંભાળીયા સિવિલ હોસ્પિટલના ડોકટર જામનગર હોસ્પિટલમાં ખસેડી જવાબદારી પુરી કર્યાનો સંતોષ માને છે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૩ : કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધતું જઈ રહ્યું છે. લોકો આ રોગથી ત્રાહીમામ પોકારી ગયા છે. લોકો શું કરવું તે સમજી શકતા નથી. આજકાલ લોકો સરકારી દવાખાનાથી પણ ડરવા લાગ્યા છે. લોકોના મતે હાલ વરસાદી સીઝન હોય લોકોને શર્દી ખાંસી સામાન્ય હોય છે. પરંતુ જો તમે સરકારી દવાખાને ગયા તો સમજી કોરોના દર્દી બની ગયા. અને તમે દવાખાને એડમીટ અને તમારા ધર અને પાડોશીઓ કવોરોટાઇન. જો તમે અન્ય જીલ્લામાં રહેતા હોવ તો ૧૪ દિવસ અને ભગવાન રાજાધીરાજ દ્વારકાધીશની કરૂમભૂમિ દ્વારકામાં રહેતા હોવ તો ૨૮ દિવસ કવોરોટાઇન થવાનું.

આજે એક ઘટના સામે આવી છે. દ્વારકા નગર પાલીકામાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતા કમલબહાદુર પ્રતાપબહાદુર બોગટી ના ધર્મપત્નિ મીનાબેન કમલબહાદુર બોગટી ઉ. વર્ષ ૫૦ તથા તેમની નાની પુત્રી દિયા કમલબહાદુર બોગટી ઉ. વર્ષ ૧૭ ની શર્દી ખાંસી તથા ગળાની તકલીફ હોય દ્વારકા સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા. ફરજ પરના ડોકટર જયસ્વાલે ખુબ ઉદ્ઘતાઈથી જવાબ આપેલ,અને દર્દીના સગાસબંધીઓને જાણ કર્યા વગર દર્દીને ખંભાળીયા રીફર કરેલ. જે બાબતે દર્દીના સગાસબંધીઓએ પુછતા જયસ્વાલ ડોકટર આગબબુલા થયા હતા અને ઉદ્ઘતાઇ ભર્યુ વર્તન કરેલ. જેથી ત્યા ઉભેલા લોકોએ આ બધી ધમાલનું વિડીયો શુટીંગ કરવા લાગ્યા તો ડોકટર સાહેબ થોડા ઠીલા પડ્યા પણ અહી સારવાર નહી કરૂ કહી. માતા મીનાબેનને ખંભાળીયા હોસ્પિટલમાં સારવાર માટે જવુ જ પડશે. તેમ કહી કોઇને જાણ કર્યા વગર એમ્બ્યુલન્સ મારફત ખંભાળીયા મોકલાવેલ. જયારે ખંભાળીયા હોસ્પિટલના ડોકટરે અહી વેન્ટિલેટર નથી તેમ કહી જામનગર રીફર કર્યા હતા. કોરોના દર્દીને મોકલવાની વ્યવસ્થા સીવીલ હોસ્પિટલે કરવાની હોય છે. પણ એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ખંભાળીયાથી જામનગર જવાનું ભાડુ દર્દી પાસે દશ હજાર રૂપિયાની માંગણી કરી હતી. ૬૦ કિલોમીટર જવાનું એમ્બ્યુલન્સનું ભાડુ રૂપિયા દશ હજાર.

આ સાંભળી દર્દીના હોશ ઉડી ગયા હતા. પણ જામનગર જવુ જરૂરી હોય, પહેલા ઓન લાઇન દશ હજાર રૂપીયા ટ્રાન્સફર કરી પછી જામનગર રવાના થયા હતા. ૬૦ કિલોમીટર નું ભાડુ દશ હજાર ન હોય, અને દ્વારકાના ડોકટરે કોઇને પૂછ્યા વગર એમ્બ્યુલન્સ માં દર્દીને મોકલી દેતા, મોટુ ષડયંત્ર હોવાની આશંકા જગાવે છે. કે શુ સરકારી એમ્બ્યુલન્સ હોવા છતા આ એમ્બ્યુલન્સ ભાડામાં કોનોકોનો ભાગ બને છે.

જયારે જીલ્લા આરોગ્ય અધીકારી રાજેશ વી. પટેલે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.

આ કોરોના પ્રકરણની માહિતી મળતા જીલ્લા આરોગ્ય અધિકારી સાથે વાત કરી છે. કોરોના દર્દીને મુકવા જવાનો એમ્બ્યુલન્સનો ખર્ચ સરકાર ભોગવે છે. જેથી એમ્બ્યુલન્સ ડ્રાઇવરે લીધેલ દશ હજાર કોરોના દર્દીને પરત આપવામાં આવશે. તેમ નિહાર ભેટારીયા, પ્રાંત અધિકારી, દ્વારકાએ જણાવ્યું હતું.

(10:30 am IST)