Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

યુ.પી.ની નિશાદ ગેંગના ૧૫ સાગ્રિતો અલગ અલગ દિવસે મોરબીમાં બેંક ફ્રોડ કરવા આવેલા

પકડાયેલ સાગ્રિતની કબૂલાત : રાજકોટમાંથી પણ ૮૦ હજાર ઉપાડેલ છે : આમ ટોળકી સક્રિય

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ : મોરબીમાં એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી લાખો રૂપિયાનું ચીટીંગ કરનાર આંતર રાજય એટીએમ ફ્રોડ કરતી યુપીની નિશાદ ગેંગના સાગરિતને મોરબી પોલીસે ઝડપી લીધો છે.

બેંકની મુખ્ય બ્રાંચ પરાબજાર દ્વારા મોરબી શહેરના અલગ અલગ એસબીઆઈ બેંક એટીએમ મશીનોમાં રોકડ રકમ સપ્ટેમ્બર અને ઓકટોબર ૨૦૧૯ માં નાખવામાં આવી હતી અને રોકડ ઉપાડ કરતા વધારાની રોકડ રકમ મશીનમાંથી નીકળી હોય જેમાં જુદી જુદી રોકડ રકમનું ટ્રાન્જેકશન થયેલ અને ટ્રાન્જેકશન ફેલ થયાનું બતાવી ઓનલાઈન ખોટી કમ્પ્લેન કરીને એક ટ્રાન્જેકશનની રકમ બે વખત મેળવી એસબીઆઈ બેંક સાથે ૭.૬૧ લાખની ચીટીંગ થયા અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

જે ફરિયાદ સંદર્ભે જીલ્લા એસપી એસ આર ઓડેદરાના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ બી જી સરવૈયા, પીએસઆઈ વી કે ગોંડલીયાની ટીમે સઘન તપાસ ચલાવી હતી અને એટીએમ મશીનના સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરતા બેંક સાથે આશરે રૂ ૩૦ લાખ જેટલું ચીટીંગ થયાનું જણાયું હતું. જેથી એટીએમ મશીનમાં અવારનવાર જતા અને રોકડ ઉપાડ કરતા ઈસમોની તપાસ ચલાવી હતી. જેમાં ફ્રોડમાં વપરાયેલ કાર્ડ ઉત્તરપ્રદેશનું હોવાનું ખુલ્યું હતું અને પોલીસ ટીમોએ બેંક ફ્રોડમાં સંડોવાયેલ ઇસમ રાજકોટ ખાતે બેંક ચીટીંગ કરવા આવેલ હોય તેવી બાતમી મળતા વોચ ગોઠવીને આરોપી પુરણસિંગ ઉદેસિંગ નિશાળ રહે યુપી વાળાને ઝડપી લઈને ઝડતી તપાસ કરતા તેની પાસેથી વિવિધ બેકોના ૧૭ એટીએમ કાર્ડ મળી આવતા પોલીસ મથકે લાવીને સઘન પૂછપરછ ચલાવી હતી.

જેમાં આરોપીએ મોરબી શહેરના વિવિધ એટીએમમાંથી કાર્ડના ઉપયોગ દ્વારા આશરે રૂ ૬ લાખ જેટલી રકમ ઉપાડી એસબીઆઈ બેંક સાથે ચીટીંગ કર્યાનું કબુલ્યું હતું અને બેંક ફ્રોડ માટે અલગ અલગ બેન્કના આશરે ૨૦ થી ૨૫ કાર્ડનો ઉપયોગ કર્યાનું પણ ખુલ્યું હતું જેથી આરોપીની ધોરણસરની અટકાયત કરી વિવિધ બેંકના ૧૭ એટીએમ કાર્ડ પોલીસે કબજે લીધા છે.

મોરબી પોલીસે યુપીની નિશાદ ગેંગના સાગરિતને ઝડપી લીધા બાદ ચોકાવનારા ખુલાસા થયા છે. જેમાં આંતર રાજય ગેંગના ૧૫ સભ્યો આલગ અલગ તારીખે મોરબી બેંક ફ્રોડ કરવા આવેલ હતા અને અલગ અલગ રાજયોમાં પણ બેંક ચીટીંગ કર્યાનો ખુલાસો થવા પામ્યો છે. ઝડપાયેલ ઇસમેં આઠ-દસ દિવસ પૂર્વે રાજકોટ એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી અલગ અલગ કાર્ડ ઉપયોગ કરી રૂ ૮૦,૦૦૦ અને અમદાવાદ ખાતેથી રૂ ૧૦ હજાર અને લોકડાઉન પહેલા બહાદુરગઢ, દિલ્હી ખાતેથી રૂ ૫૦ હજાર જેટલી રકમ ઉપાડી ફોર્ડ કર્યાની કબુલાત આપી હતી.

(10:31 am IST)