Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કચ્છમાં વધુ ૧૭ દર્દીઓઃ એકિટવ કેસમાં ઉછાળો : વેન્ટિલેટર બેડ ખૂટયા હોવાની ચર્ચા

ભુજ,તા.૩ : સરકાર ભલે એમ કહે કે કોરોના સામેની લડાઈમાં બધાનો અભિગમ હકારાત્મક હોવો જોઈએ પણ કોરોનાની માહિતી બાબતે કચ્છમાં તંત્રનો અભિગમ નકારાત્મક છે. ભુજમાં લગભગ ૩૩ જેટલા કન્ટેનમેન્ટ ઝોન અને જિલ્લામાં અન્ય જગ્યાએ પણ હવે જે રીતે કોરોના ઉધામો મચાવી રહ્યો છે, એને લીધે લોકોમાં ફફડાટ વધ્યો છે, તો કોરોના સંદર્ભે સમયસર રિપોર્ટ, પોઝિટિવ દર્દીઓને સમયસર જાણકારી, કોરોનાના પોઝિટિવ કેસ, મૃત્યુ વિશેની માહિતી આપવામાં તંત્રના નકારાત્મક અભિગમે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ સજર્યો છે. વધુ ૧૭ દર્દીઓ સાથે કચ્છમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૩૪૮ ઉપર પહોંચી છે. જોકે, ચિંતાજનક વાત એકિટવ કેસની છે, કચ્છમાં ૨૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે, તેમાં હવે વેન્ટીલેટર બેડ ખૂટયા હોવાનું જાણવા મળે છે. જોકે, તંત્ર દ્વારા આ અંગે સત્તાવાર કોઈ જાણકારી અપાઈ નથી. કોરોનાની સારવાર દરમ્યાન ૧૦૩૫ દર્દીઓ સાજા થઈ ચૂકયા છે. તંત્રના ચોપડે ૪૫ જયારે તંત્રના જ આંકડા અનુસાર ૨૫ દર્દીઓનો પત્તો મળતો નથી, એ જોતાં ૭૦ દર્દીઓ મોતને ભેટ્યા હોવાની ચર્ચા છે.

(11:09 am IST)