Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

હિતેષ વોરા સતત ૪ સામાન્ય સભામાં ગેરહાજર રહેતા સભ્ય પદ જોખમમાં

કોટડા સાંગાણી તાલુકા પંચાયતની સામાન્ય સભાએ બચાવ માટે ૧ માસની મુદત આપી : ટી.ડી.ઓ.નો અહેવાલ આવે પછી આગળની કાર્યવાહી ડી.ડી.ઓ. કક્ષાએ કરવા પાત્ર

રાજકોટ, તા., ૩: જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેષ વોરા કોટડા સાંગાણી તાલુકા પંચાયતના સભ્ય તરીકે સતત ૪ વખત વગર રજાએ ગેરહાજર રહેતા તેમના સભ્યપદ પર જોખમ ઉભું થયાનું જાણવા મળે છે. ગઇકાલે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં બચાવ માટે તેમણે મુદત માંગતા સામાન્ય સભાએ એક માસની મુદત આપ્યાનું બહાર આવેલ છે. આવતા ત્રણેક મહિનામાં પંચાયતની  ચુંટાયેલી પાંખની મુદત પુરી થઇ રહી છે.

તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે સરેરાશ દર ૩ મહિને સામાન્ય સભા મળતી હોય છે. કોઇ સભ્ય રજા રીપોર્ટ વગર સતત ૩ સભામાં ગેરહાજર રહે તો ગેરલાયક ઠરવા પાત્ર બને છે. હિતેષ વોરા છેલ્લી ૪ સામાન્ય સભાથી ગેરહાજર રહેતા તાલુકા પંચાયતના વહીવટી તંત્રએ તેમને શા માટે ગેરલાયક ન ઠેરવવા તે પ્રકારની નોટીસ આપી મામલો સામાન્ય સભાના હવાલે કરેલ. સામાન્ય સભા સમક્ષ તેમણે પોતાની સતત ગેરહાજરીનું વ્યાજબીપણું દર્શાવવા માટે એક માસની મુદત માંગેલ. સામાન્ય સભાએ તે માન્ય રાખી છે. તેના બચાવનામા બાદ આગળની સામાન્ય સભામાં તેના સભ્યપદ અંગે નિર્ણય થશે. સામાન્ય સભાના નિર્ણય અંગે ટીડીઓએ ડીડીઓને અહેવાલ આપવાનો થશે. હાલ કાર્યવાહી તાલુકા પંચાયત કક્ષાએ ચાલી રહી છે. ભવિષ્યમાં ટીડીઓનો અહેવાલ આવે તેના આધારે આગળની કાર્યવાહી ડીડીઓ કક્ષાએ કરવા પાત્ર થશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેવા જવાબદાર પદ પર રહેલા સભ્યની સતત ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

(11:31 am IST)