Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જામનગરમાં મેરેથોન બેઠકોનો દોર

અધિક મુખ્ય સચિવ મહેસુલ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને કોવિડ સંક્રમણને અટકાવવા મેરેથોન બેઠકો યોજાઇઃ કોવિડ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટર અને યુ.એચ.સી.ની મુલાકાત લીધી

જામનગર, તા.૩: જામનગરમાં વધતા જતા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અને ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાને લઇ ગુજરાત રાજયના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર બે દિવસથી જામનગરની મુલાકાતે છે, જયાં આજરોજ સચિવશ્રીએ જી.જી. હોસ્પિટલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતેના પી.જી.વિભાગ અને યુ.જી વિભાગમાંના કોવિડ કેર સેન્ટરો, શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલો વિનસ અને સ્વામિનારાયણ હોસ્પિટલ, જામનગરની ડેન્ટલ હોસ્પિટલ અને કામદાર કોલોની ખાતેના યુ.એચ.સી.ની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતમાં સચિવશ્રીએ દરેક કોવિડ હોસ્પિટલ અને સેન્ટરની વ્યવસ્થાઓનું અવલોકન કર્યું હતું તથા આવશ્યક સૂચનો કર્યા હતા. આગામી દિવસોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધે તો દર્દીઓને પૂરતા પ્રમાણમાં  આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકાય અને આરોગ્યની વધુ ગુણવત્તાલક્ષી સેવાઓ આપી શકાય તે માટે સચિવશ્રી દ્વારા બેઠકોમાં આંતરમાળખાકીય વ્યવસ્થાઓનો વ્યાપ વધારવા વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ હતી. સાથે જ સંક્રમણની સાંકળને તોડવા માટે અને જામનગરમાં કોવિડના કહેરને નાથવા માટે અધિક મુખ્ય સચિવશ્રીએ તેમજ પ્રભારી સચિવશ્રીએ અધિકારીઓ સાથે ડીટેલ માઈક્રો પ્લાનિંગ કર્યું હતું.

આ તકે, અધિક મુખ્ય સચિવશ્રીએ કહ્યું હતું કે જામનગરમાં કોવિડ માટેની કામગીરી સારી રીતે થઈ રહી છે પરંતુ વધુ દર્દીઓને પણ વધુ સારી સારવાર અને પૂર્ણ વ્યવસ્થાઓ મળી રહે તેના આયોજન માટે આ મુલાકાત લેવામાં આવી છે. આ મુલાકાતમાં અધિક મુખ્ય સચિવશ્રીએ ડેન્ટલ હોસ્પિટલના તબીબો અને અધિકારીઓ, આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી અનુપ ઠાકર અને અન્ય તબીબો, જી. જી. હોસ્પિટલના તબીબી સ્ટાફ, યુ.એચ.સી.ના મેડિકલ ઓફીસરશ્રી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે અનેક બેઠકો યોજી વ્યવસ્થાપન વિશે આયોજન કર્યું હતું.

આ મુલાકાત અને બેઠકમાં કલેકટરશ્રી રવિશંકર, કમિશનરશ્રી સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા જી.જી.હોસ્પિટલના ડીન શ્રી નંદની દેસાઈ, ઇન્ચાર્જ અધિક્ષક શ્રી દિપક તિવારી, જી.જી.હોસ્પિટલનાઙ્ગ નંદિની બાહરી, જામનગર શહેર પ્રાંત અધિકારીશ્રી આસ્થાબેન ડાંગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાયજાદા વગેરે અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)