Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ગોંડલના મોવિયામાં શ્રી સદગુરૂ રામધુન મંડળ દ્વારા ધાર્મિક-સેવાકીય પ્રવૃતિઓનો ધમધમાટ

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા.૩ : ગોંડલ મોવિયા ગામે શ્રી સદગુરૂ રામધુન મંડળ ધાર્મિક સેવા કાર્યની સાથે સમાજ ઉપયોગી વિવિધ સેવાયજ્ઞ કરી રહ્યુ છે.

દર શનિવારે પ્રભાતફેરી રામધુન સાથે નીકળે છે આ પ્રભાતફેરીમાં લોકો આસ્થાપુર્વક જોડાય છે. આ પ્રભાતફેરીમાં ૨૦૦ થી ૩૦૦ લોકો જોડાય છે અને ગામમાં ફરી ધુન બોલતા બોલાવતા ગામના મંદિરોના દર્શન કરતા ધાર્મિક વાતાવરણ ઉભુ કરતા જાય ને સાથે સાથે લોકો દાન આપે તે સ્વીકારતા જાય, વસ્તુની ભેટ માટે સાથે એક ટ્રોલી પણ રાખવામાં આવે છે.

લોકો દ્વારા પક્ષીઓને ચણ અને ગાયોનો ઘાસચારો શ્વાન માટે લાડુ બનાવીને નાખવામાં આવે છે. નિયમિત ઘણા વર્ષોથી આ પ્રવૃતિ થઇ રહી છે વિશેષતા એ છે કે આ ધુન મંડળમાં કોઇ પ્રમુખ નથી કે કોઇ હોદ્દેદાર નથી. આ પ્રભાતફેરીમાં દિન પ્રતિદિન વધુને વધુ લોકો જોડાઇ રહ્યા છે ગામ તેમજ બહારગામ સ્વર્ગસ્થના ઘરે જઇ સદગતના આત્માને શાંતિ મળે એટલે ધુન, કિર્તનની સેવા આપવા સદગુરૂ ધૂન મંડળ પહોચી જાય છે. તેમા થતી દાનરૂપી આવક સ્વર્ગસ્થના પરિજનોને ગાયોના ચારા માટે પાછી આપવામાં આવે છે.

પર્યાવરણક્ષેત્રે પણ આ ધુનમંડળ કામ કરે છે સ્વર્ગસ્થ સરપંચ મગનલાલ હિરપરાએ બગીચાનું આયોજન કરેલ તે મગનપાર્કનુ વ્યવસ્થિત દેખરેખ રાખી જતન માવજત કરે છે. ગામનો એકમાત્ર આ બગીચો લોકોને મળેલ છે. તેમા વોકીંગ ટ્રેક, બાકડા, પીવાના પાણીની સુવિધા, હીંચકા, લપસીયા વગેરે સાધનોથી સજજ છે. તેમજ ગોંડલ વાસાવડ રોડ ઉપર રામાપીર મંદિરથી માંડણ આશ્રમ પુલ સુધી એટલે ૪ કીમીના રસ્તાની બંને બાજુ ટ્રી ગાર્ડ સાથે વૃક્ષો રોપેલા તે ૫૦૦ વૃક્ષો આજે લહેરાઇ રહ્યા છે.

આ ધુન મંડળે મોવિયામાં ગામના પ્રત્યેક મકાનને એક સરખી નેઇમ પ્લેટ બનાવી ૨૫૦૦ ઘર ઉપર લગાડી દીધી છે મોવિયા એવુ ગામ કે ન પુછવુ પડે નામ, મેરે ઘરકા સીધા સા ઇતના પતા હૈ. અજાણ્યાઓએ હવે સરનામુ પુછવુ પડતુ નથી. ગામમા સરનામાની તકતી તો લગાડી પરંતુ સાથે સાથે મોવિયા ગામની સીમ જમીન, વાડી, ખેતર ગામથી ફરતી ૬ થી ૭ કીમીના દાયરામાં ખેતીની જમીન આવેલ છે. સીમની દરેક દિશાના રસ્તાઓની ઓળખ માટેના સાઇન બોર્ડ લગાવવામાં આવેલ છે. આમ ગામના ઘર તેમજ સીમના ખેતરો, સાઇનબોર્ડ, તકતીઓથી શોભે છે. આમ સીમ વગડામાં કોઇ અજાણ્યા મુસાફરને સરળતાથી રસ્તો મળી જાય, ગામમાં ઘરનુ સરનામુ, સીમમાં ખેતરનું સરનામુ સીમથી આજુબાજુના ગામના રસ્તાઓના પણ બોર્ડ લગાવેલા છે. ધુનમંડળની કામગીરી પ્રેરણાદાયી છે.

(11:37 am IST)