Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાવલઃ કોંગ્રેસ આગેવાનોએ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજયોઃ ખેતરમાં તરણ સ્પર્ધા યોજી 'લોલીપોપ'નું વિતરણ કર્યુ

રાવલ તા. ૩ :.. રાવલ તથા આસપાસના  વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ અને વર્તુ ડેમમાંથી વારંવાર પાણી છોડવામાં આવતાં ખેડૂતોનો પાક મોટાભાગે નાશ પામેલ છે. અને ખેતરોમાં ભારે ધોવાણ થતાં પારાવાર નુકશાન ગયેલ છે. જયારે સરકાર તરફથી હજુ સુધી કોઇ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી નથી.

કોંગ્રેસ પક્ષના આગેવાન પાલાભાઇ આંબલીયાએ રાવલ વિસ્તારમાં હજુ સુધી તરી શકાય તેવું પાણી ભરાયેલ હોવાથી તેમાં આશ્ચર્ય જનક કાર્યક્રમ 'તરણ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવેલ અને વિજેતાઓને પ્રતિક રૂપે 'લોલીપોપ'નું વિતરણ કરવામાં આવેલ.

આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં આંબલીયાએ જણાવેલ કે રાવલ ગામનો વિસ્તાર ત્રણ નદીની વચ્ચે આવે છે, અને વર્તુ ડેમમાં જયારે પાણી વધુ ભરાય અને ભારે વરસાદ હોય ત્યારે જ એક સાથે સંખ્યાબંધ દરવાજા ખોલવામાં આવે છે, જેથી મોટા પ્રમાણમાં પાણી ખુબ વેગ સાથે ખેતરોમાં પાણી ભરાય છે, અને પાક નાસ પામે છે, તેમજ મોટાપ્રમાણમાં ધોવાણ થાય છે.

સરકારશ્રીના નિયમ મુજબ જો ૪૮ કલાકમાં પચીસ ઇંચ કરતા વધુ વરસાદ થાય, તો જ ખેડૂતોને નુકશાન વળતર મળીશકે, જયારે રાવલ વિસ્તારમાં ભલે ૪૮ કલાકમાં પચીસ ઇંચ વરસાદ ન થયો હોય, પરંતુ ડેમના દરવાજા ખોલવામાં આવતાં સાઢીયા પુર આવેલ છે. અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ છે, તેમજ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે, અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ છે, તેમજ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે. છતાં સરકારશ્રીના ઉંધા અને ખેડૂત વિરોધી નિયમોના કારણે ખેડૂતોને સહાય પણ મળી શકે તેમ નથી, તેથી આંધળી, અને બહેરી સરકારના આંખ-કાન ખોલવા માટે અને ખેડૂતોનો રોષ પ્રદર્શિત કરવા માટે આશ્ચર્ય જનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. તેમ અંતમાં જણાવેલ.

(11:44 am IST)