Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

તળાજા પંથકમાં લીલા દુષ્કાળની સ્થિતિ

ખાતર,બિયારણ,ખેતરો ધોવાયા હોય તાત્કાલિક સહાય કરો નહિતર આંદોલન ધારાસભ્ય બારૈયા

ભાવનગર તા.૩ : ભાવનગરજિલ્લાની વિધાનસભા બેઠકો પૈકીની એકમાત્ર તળાજા બેઠક પરથી ચૂંટાઈને આવેલ કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ તળાજા સહિત જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે લીલા દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. જેને લઈ તાત્કાલિક સહાય ચૂકવવાની માગ સાથે સહાય નહિ ચૂકવાય તો જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી મુખ્યમંત્રીને લખેલ પત્રમાં આપી છે.

મેઘરાજાની અવિરત મહેરબાની હવે કહેર સ્વરૂપે હજુ વરસી રહી છે.જેને લઈ ખેતી ઉપર જ આર્થિક રીતે નભતા તળાજા તાલુકાના ખેડૂતોને નુકશાની વેઠવાનો આવેલ સમયને લઈ ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે.પત્રમાં વધુ પડતા વરસતા વરસાદને લઈ ખેડૂતોના ખેતર,પાકનો સર્વે કરાવો. ખેતર,પાળા, શેઢા ધોવાઈ ગયેલ છે.ખાતર બિયારણ નિષ્ફળ ગયેલ છે.પાક પાણીમાં ડૂબી ગયો છે.આથી સરકારે મદદે આવવું જરૂરી છે. તળાજા સહિત જિલ્લાના ખેડૂતોને થયેલ નુકશાનીને લઈ તાત્કાલિક સહાય ચુકવવામાં નહિ આવેતો કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

તળાજા તાલુકા ખેડૂતના આગેવાન અને માર્કેટયાર્ડના ડિરેકટર હરજીભાઈ ધાંધલીયા એ જણાવ્યું હતુંકે સતત વરસતા વરસાદ ને લઈ ખેડૂતો ખેતરમાં ખેતી કામ માટે જઈ શકતા નથી. બાજરી નો દાણો ઉગવા લાગ્યો છે.જેને હવે માણસ તો ઠીકપશુ પણ ન ખાય.મગફળીમાં ફૂગ બેસવા લાગી છે. ચોમાસુ ફાલ કપાસનો નિષ્ફળ છે.તમામ પ્રકારના કઠોળ નો પાક નિષ્ફળ છે.

(11:45 am IST)