Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમરેલી જિલ્લામાથી અગાઉ સેમ્પલ ભાવનગર મોકલવામાં આવતા જેથી બે થી ત્રણ દિવસની જગ્યાએ હવે માત્ર ૫ થી ૬ કલાકમાં રિઝલ્ટ મળશે અદ્યતન સાધનોથી સજ્જ લેબ ૨૪ કલાકમાં અંદાજે ૨૦૦ જેટલા ટેસ્ટની ક્ષમતા : અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ ટેસ્ટીંગ લેબનું જિલ્લા કલેક્ટર આયુષ ઓકના હસ્તે ઉદ્ઘાટન

અમરેલી, તા: ૩: આજે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના હસ્તે અંદાજિત ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલી કોવિડ-૧૯ ટેસ્ટીંગ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

        આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ અગાઉ કોવિડ-૧૯ના દર્દીના સેમ્પલ ટેસ્ટીંગ માટે ભાવનગરની લેબોરેટરીમા મોકલવા પડતા હતા. અને રીપોર્ટ આવતા અંદાજે બે થી ત્રણ દિવસનો સમય લાગી જતો હતો. પરંતુ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જ લેબ બનતા હવે આ ટેસ્ટનું રિઝલ્ટ માત્ર ૫ થી ૬ કલાકમાં જ મળી રહેશે. કોવિડ-૧૯ની સારવારમાં તાત્કાલિક નિદાન ખુબ મોટો ભાગ ભજવે છે. જો દર્દીનો જલ્દી ટેસ્ટ થાય અને સમયસર સારવાર મળી રહે તો દર્દી ખુબ જ ઓછા સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે જાય છે. આમ, આજે શરુ કરેલી લેબ અત્યંત ઉપયોગી નીવડશે.

        વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા રોજના ૨૦૦ જેટલા ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો એટલે આ લેબ શરુ થતા આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં ખુબ જ સરળતા રહેશે તેમજ વધુમાં વધુ ટેસ્ટિંગ થાય એ દિશામાં વહીવટી તંત્રના પ્રયત્નો શરૂ રહેશે.

         હોસ્પિટલના અધિકારીએ આ હાઈટેક ટેસ્ટિંગ લેબના સંદર્ભમાં કહ્યું હતું કે આ લેબના કારણે અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધશે. કોરોના સામે લડવામાં આ હાઈટેક લેબ અત્યંત મદદરૂપ બનશે. એમણે વધુમાં ઉમેર્યુ હતું કે અંદાજિત ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલી કોવિડ-૧૯ ટેસ્ટીંગ લેબ અદ્યતન સાધનોથી સજ્જ છે અને ૨૪ કલાકમાં અંદાજે ૨૦૦ જેટલા ટેસ્ટની ક્ષમતા ધરાવે છે જેથી ટેસ્ટિંગની ક્ષમતા વધશે.

        આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સિવિલ સર્જન, તબીબી અધિકારીઓ સહીત શહેરના અગ્રણીશ્રીઓ હાજર રહ્યા હતા.

(3:09 pm IST)