Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે ઊના પાસેના ઈંટવાયા ગામે SGVP મહિલા સંસ્કાર કેન્દ્રનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો.

  ઊના. તા. ૨ મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને દ્રોણેશ્વર ગુરુકુલની નજીક ઈંટવાયા ગામે, જ્યાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંદિર બંધાવેલ તે મંદિરની બાજુમાં જ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે SGVP મહિલા સંસ્કાર કેન્દ્રનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો.

શિલાન્યાસ વિધિ SGVP દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના રામપ્રિયજીએ વૈદિક વિધિ સાથે કરાવી હતી.

 આ પ્રસંગે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ કે આ નાઘેર પ્રદેશ ખુબજ ભાગ્યશાળી છે કે જ્યાં નંદ સંતોએ પગપાળા વિચરણ કરેલ છે.

આ ઈંટવાયા, ફાટસર, વડવીયાળા વગેરે ગામમાં ભાઈઓનો સત્સંગ તો છે જ પણ બહેનોનો સત્સંગ વધારે છે. અહીની દીકરીઓ જ્યાં-જ્યાં ગઈ ત્યાં સત્સંગનો કરિયાવર લઈને ગઇ છે.

આ વિસ્તારમાં સાંખ્યયોગી બહેનો સારો સત્સંગ કરાવી રહ્યા છે. આ મહિલા સંસ્કાર કેન્દ્ર બહેનોના આધ્યાત્મિક વિકાસ માટે કાર્ય કરશે. આ બાજુમાં દ્રોણેશ્વર કન્યા ગુરુકુલ છે, SGVP મહિલા સંસ્કાર કેન્દ્ર એની શાખા છે

આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઉપસ્થિત હરિભક્તોને તન, મન અને ધનથી સેવા કરવાનો અનુરોધ કર્યો હતો. અંતમાં પાંચ કુમારિકાઓએ પણ શિલાન્યાસ કર્યો હતો.

આ SGVP મહિલા સંસ્કાર કેન્દ્રના મુખ્ય દાતા મૂળ કચ્છના અને હાલ આફ્રિકા નાઇરોબી નિવાસી શ્રીમતી ધનબાઈ કાનજીભાઈ વરસાણી રહેલ છે.

આ પ્રસંગે દુધાળાથી સાખ્યયોગી શ્રી ભાનુ બહેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(4:27 pm IST)