Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કચ્છના માતાના મઢમા ઈતિહાસમાં પ્રથમ વખત બે વખત પતરી વિધિ

રાજવી પરિવાર વચ્ચે ચાલતા કાનૂની વિવાદમાં બન્ને પક્ષે કરી ધાર્મિક પૂજા વિધિ : વહેલી સવારે મહારાજ કુમાર હનુવંતસિંહજીએ અને ત્યારબાદ મહારાણી પ્રીતિદેવીએ કરી પતરી પૂજાની વિધિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :માતાના મઢ મધ્યે આજે પ્રથમ વાર કચ્છના રાજવી પરિવાર દ્વારા બે વખત પતરી વિધિ કરાઇ હતી. કચ્છના રાજવી પરિવારમાં પતરી વિધિ અંગે બે પક્ષે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. પતરીની ધાર્મિક વિધિ પ્રમાણે કચ્છમાં રાજાશાહી પરંપરાથી કચ્છ રાજ્યની કુળદેવી મા આશાપુરા ના મંદિર માતા ના મઢ મધ્યે આસો નવરાત્રિ દરમ્યાન આઠમ ના દિવસે રાજવી પરિવાર દ્વારા સવારે પતરી વિધિ થાય છે. જેમાં ડાક ના તાલે માતાજી ના ખભા ઉપર રાખેલી પતરી ને પાલવ પાથરી ખોળામાં પ્રસાદ રૂપે ઝીલી રાજવી પરિવાર કચ્છી પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.

પતરી વિધિ કોણ કરે એ અંગે મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતીદેવી અને મહારાજ કુમાર હનુવંતસિંહજી વચ્ચે કાયદાકીય જંગ ચાલી રહ્યો છે. તે વચ્ચે આજે સવારે પ્રથમ મહારાજ કુમાર હનુવંતસિંહજીએ આ ધાર્મિક વિધિ કરી મા આશાપુરાજીની પૂજા વિધિ દરમ્યાન પતરી નો પ્રસાદ ઝીલ્યો હતો. ત્યારબાદ મહારાણી પ્રીતિદેવીએ પતરીની ધાર્મિક વિધિ કરી મા આશાપુરાજીની પૂજા વિધિ દરમ્યાન પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો. રાજવી પરિવારના બન્ને પક્ષો વચ્ચે ચાલી રહેલા કાનૂની જંગ દરમ્યાન પતરી વિધિ ના હક અંગે દાવા પ્રતિદાવા કરાયા હતા.

(11:35 am IST)