Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જસદણના એસ.પી.એસ. સંકુલમાં આયોજીત અર્વાચીન રાસોત્‍સવમાં દાનની રકમ ગૌશાળાને અર્પણ

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૩ : જસદણ શહેર અને પંથકમાં અનેક જગ્‍યાએ પ્રાચીન અને અર્વાચિન ગરબાનું આયોજન થયું છે. પરંતુ આટકોટ રોડ ઉપર આવેલ એસ.પી.એસ. સંકુલ ખાતે સ્‍પેન ગ્રુપ દ્વારા ગરબાનું સ્‍વ-ખર્ચે આયોજન કરી જે રકમ આવે તે બધી જ ગૌશાળાના લાભાર્થે આપી ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું છે.છેલ્લા બે વર્ષથી અર્વાચિન ગરબાના આયોજનો થઇ શકયા નહોતા ત્‍યારે આટકોટ રોડ ઉપર આવેલ એસ.પી.એસ. વિદ્યા સંકુલના માલિક ડો.કમલેશભાઇ હિરપરા દ્વારા અર્વાચિન ગરબાનું સુંદર આયોજન કરી ગરબામાં જે કંઇ આવક થાય તે ફાળો આવે તે આટકોટની કામધેનુ ગૌશાળામાં આપી ખરા અર્થમાં નવરાત્રીની ઉજવણી કરી છે.

આ સુંદર મજાના આયોજનમાં સંસ્‍થાના તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક પ્રવેશ રાખવામાં આવ્‍યો છે. જ્‍યારે પેક્ષકો કે ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે પ્રવેશ ફી રાખવામાં આવી છે જેની ગૌશાળાની પાકી પહોંચ આપવામાં આવે છે. રોજેરોજ વિવિધ આગેવાનો અને વેપારીઓ દ્વારા વિજેતાઓને પ્રોત્‍સાહીત ઇનામો પણ આપવામાં આવે છે.

આ રાસોત્‍સવનો તમામ ખર્ચ સ્‍પેન ગ્રુપના ડીરેકટ કમલેશભાઇ હિરપરા દ્વારા આપવામાં આવ્‍યો છે.

આ રાસોત્‍સવનાં ફાઇનલ ૨૪ ખેલૈયાઓને પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા દ્વારા રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવશે.

શ્રી કામધેનુ ગૌશાળા ટ્રસ્‍ટ દ્વારા આટકોટ ગૌશાળા ચલાવવામાં આવે છે.

કમલેશભાઇ હીરપરાના આ અનોખા ગરબાનું આયોજન કરવા બદલ તેમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

આ ગરબામાં રોજે રોજ સમાજના આગેવાનો, ઉચ્‍ચ અધિકારીઓ, રાજકીય આગેવાનો હાજર રહી ખેલૈયાઓનો ઉત્‍સાહ વધારી રહ્યા છે.

(12:13 pm IST)