Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વડિયા હનુમાન ખીજડીયા ગામે રસ્‍તા મુદ્દે ગામ લોકોએ સ્‍મશાન યાત્રા કાઢી બેસણું યોજી દેખાવો કર્યા

જેતપુર જવાનો મુખ્‍ય રસ્‍તો ગેરંટી પિરિયડમાં હોવા છતાં રીપેર થતો નથી : કિસાન કોંગ્રેસના પ્રમુખ સત્‍યમ માકાણીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો

વડિયા,તા. ૩ : વડિયાના રાજકોટ અને જૂનાગઢ જિલ્લા ની સરહદે આવેલા હનુમાન ખીજડીયા ગામ જેતપુર શહેર નજીક આવેલુ હોય ત્‍યારે આ વિસ્‍તારના લોકો સારા, નરસા પ્રસંગની ખરીદી ઉપરાંત તમામ મેડિકલ સુવિધાઓ અને ખાણીપીણીની સુવિધાઓ માટે લોકો રોજ હનુમાન ખીજડીયાથી ચારણ સમઢીયાળાને જોડતા રસ્‍તાનો ઉપયોગ કરે છે. આ રસ્‍તો બન્‍યા બાદ તે ટૂંકા સમયમાં બિસ્‍માર બનતા હાલ આ રસ્‍તા પર વાહન ચલાવવું મુશ્‍કેલી રૂપ બન્‍યું છે. ત્‍યારે બીમાર લોકો, મહિલાઓની પ્રસુતિ માટે જેતપુર હોસ્‍પિટલમાં જવા માટે ખુબ મુશ્‍કેલીનો સામનો ઘણા સમયથી લોકો કરી રહ્યા છે.

ગામલોકોના જણાવ્‍યા અનુસાર આ રોડ હાલ પણ ગેરંટી પીરિયડ માં હોય આ બાબતે અમરેલી જિલ્લા કાર્યપાલક ઈજનેર નેતારીખ૧૨/૧૦/૨૦૨૦,૧૧/૧૨/૨૦૨૦ અને ૦૬/૦૭/૨૦૨૧ના રોજ લેખિત જાણ કરી રિફ્રેસીંગ ની માંગણી કરવામાં આવેલી હતી. ત્‍યાર બાદ આ બાબતે જિલ્લા કલેક્‍ટર ને પણ ૨૬/૦૯/૨૦૨૨ના રોજ લેખિત જાણ કરીને રોડનુ રિફ્રેસીંગ દિન છમાં કરવા માંગણી કરાઈ હતી અન્‍યથા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. વારંવાર રજુઆ કરવા છતાં પણ ગેરંટી પિરિયડનો રોડ રિફ્રેસીંગ કરવા બાબતે કોઈ ધ્‍યાન ન આપતા ગામલોકો દ્વારા જિલ્લા કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ સત્‍યમ માકાણી અને કોંગ્રેસી આગેવાનોના નેતૃત્‍વમાં આંદોલન કરી આવનાર ૧૫માં ઉકેલના આવે તો ચૂંટણી બહિષ્‍કારની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

વાસ્‍તવમાં સમગ્ર પ્રકરણમાં કોન્‍ટ્રાકટર અને તંત્રની મીલીભગતના કારણે રસ્‍તાનુ કામ થતુ નથી અને કોન્‍ટ્રાકટરના નબળા કામની બેદરકારીને છાવરતા હોય તેવુ જોવા મળી રહ્યું છે.હવે આવનારા સમયમાં સરકાર અને તંત્ર જાગીને લોકોની મુશ્‍કેલીઓ દૂર કરે છે કે કોન્‍ટ્રાકટરને બચાવવા ફરી આંદોલનના માર્ગે લોકોને વાળે છે તેતો આવનારો સમય જ બતાવશે.

(12:17 pm IST)