Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

પોરબંદર નગર પાલીકાના ટીપી કમીટીના ચેરમેન પાસે ૪૦ લાખની ખંડણી માંગણી કરીને ધમકી આપી

ખંડણી માંગનારને પોલીસે પકડીને કોર્ટમાં લઇ જતા દરમિયાન વીડીયો શુટીંગ કરનાર ઇલે. મીડીયાના કેમેરામેનને આરોપીએ મારી નાખવાની ધમકી આપી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩: નગર પાલીકા ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેન કેશુભાઇ સવદાસભાઇ બોખીરીયા પાસે ૪૦ લાખની માંગણી કરીને નહી આપે તો બદનામ કરવાની ધમકી આપ્યાની આરટીઆઇ એકટીવીસ્ટ પ્રફુલ ભગવાનજીભાઇ દત્તાણી સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

૪૦ લાખની ખંડણી માંગીને ધમકી આપવાના ગુન્હામાં આરોપી પ્રફુલ દત્તાણીને પોલીસે પકડીને કોર્ટમાં લઇ જતા હોય તેનું વિડીયો શુટીંગ કરનાર ઇલેકટ્રીક મીડીયાના કેમેરામેન ઋષિભાઇ થાનકીને આરોપી પ્રફુલે મારી નાખવાની ધમકી આપતા આરોપી  પ્રફુલ દત્તાણી સામે બીજો ગુન્હો નોંધાયો છે.

પોરબંદર છાયા સંયુકત નગરપાલીકાના વોર્ડ નં. ૧ના સુધરાઇ સભ્ય અને ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેન કેશુભાઇ સવદાસભાઇ બોખીરીયાએ છાંયામાં આરટીઆઇ એકવીસ્ટ પ્રફુલ દત્તાણીએ રૃા.૪૦ લાખની ખંડણીની માંગણી કરી બદનામ કરવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ અંગે પોલીસે તપાસમાં નગરપાલીકામાં ફરજ બજાવતા  કેશુભાઇ બોખીરીયા કચેરીએ એકાદ માસ પહેલા હતા ત્યારે પ્રફુલ દત્તાણીએ ફોન કરી જણાવ્યું હતું કે મેં ટાઉન પ્લાનીંગ કમીટીના નિયુકત થયેલ તમમ સભ્યો વિરૃધ્ધ પ્રાદેશીક કમિશ્નર નગર પાલીકા રાજકોટ સમક્ષ ફરીયાદ કરેલ છે. જે ફરીયાદમાં તમે વિકાસ માટે ટી.પી. મંજુર કરેલ છે. તે ટી.પી.રદ કરવા તથા ટાઉન પ્લાનીંગના સભ્યોને સસ્પેન્ડ કરવા અંગેની ફરીયાદ કરેલ છે. જો તમે કમલાબાગ પાસે આવેલ મકાન ખરીદવા માટે મને રૃા. ૪૦ લાખ આપો તો હું તમારા વિરૃધ્ધ કરેલ ફરીયાદ પરત ખેંચી લઇ અને તમને કયાંય નડતરરૃપ નહી થાવ તેવી ધમકી આપી હતી. તેમજ  અખબારોમાં બદનામી થાય તેવા અહેવાલો પ્રસિધ્ધ કરાવ્યા હતા અને બદનામી કરવામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

દરમિયાન આ મામલે પોલીેસે સામાજીક કાર્યકર પ્રફુલ ભગવાનજી દત્તાણી નામના શખ્સની ધરપકડ કરી હતી અને પોલીસ મથકેથી તપાસ અર્થે બહાર લઇ જવામાં આવ્યો હતો. ત્યારે પ્રફુલ દત્તાણીનું રીપોટીંગ કરવા આવેલા ઇલે. મીડીયાના પત્રકાર ઋષિભાઇ થાનકીનો કેમેરો ખેંચવાનો પ્રયાસ કરી અન્ય રિપોર્ટરોને પણ સમાચાર પ્રસિધ્ધ નહી કરવા મામલે મારી નાખવાની ધમકી આપી. આ મામલે ઋષિ યોગેશભાઇ થાનકીની ફરીયાદ પરથી પ્રફુલ ભગવાનજી દત્તાણી વિરૃધ્ધ બીજો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:52 pm IST)