Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જુનાગઢમાં બંધ મકાનમાંથી માલમત્તાને બદલે રૂ. ૧૦ હજારના નળ-વાલ્વની ચોરી

બહાર રહેતા હોય એવા માલિકના મકાન તસ્કરોના નિશાન પર

જુનાગઢ તા. ૩: જુનાગઢમાં તસ્કરોએ બહાર રહેતા હોય એવી વ્યકિત-પરિવારનાં મકાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

તાજેતરમાં બસ સ્ટેન્ડ પાસેની નહેરૂ પાર્ક સોસાયટીમાં બંધ મકાન ધરાવતા વડોદરા ખાતે હાલ રહેતા એક વિપ્ર પરિવારનાં મકાનને તસ્કરોએ બે વખત નિશાન બનાવ્યું હતું.

તસ્કરોને અહિંથી કંઇ હાથ લાગ્યું ન હતું પરંતુ ટોયલેટ-બાથરૂમ વગેરેનાં પાણીનાં નળ-વાલ્વને નુકશાન પહોંચાડીને તસ્કરો નાસી ગયા હતા. જો કે આ અંગે પોલીસ ફરિયાદ ન હતી.

આ જ પ્રમાણે જુનાગઢમાં જલારામ સોસાયટી રેલ્વે ક્રોસીંગ પાસે આવેલ દિલીપભાઇ પ્રમોદભાઇ પાસેના બંધ હાલતમાં રહેલ મકાનમાં તા. ૩૦ની રાત્રે તસ્કરો ખાબકયા હતા.

બંધ મકાનનાં રસોડાની જાળીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરો બાથરૂમ તથા મકાનમાં પાણીનાં નળ તોડી ૧પ નંગ નળ અને પાંચ વાલ્વ મળી કુલ રૂ. ૧૦ હજારનાં મુદામાલની ચોરી કરીને નાસી ગયા હતા.

આ અંગે જાણ થતાં દિલીપ પારેખે ગત રાત્રે ફરિયાદ કરતાં બી ડીવીઝનનાં પી.એસ.આઇ. એ. કે. પરમારે તપાસ હાથ ધરી છે. જુનાગઢમાં બંધ રહેલા મકાનમાંથી ચોરી ન થાય તે માટે પોલીસે પેટ્રોલીંગ વધુ સઘન બનાવવું જોઇએ તેવી માંગ ઉઠી છે.

(11:08 am IST)