Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

લીંબડી વિધાનસભા બેઠક માટે ૪૨૦ બુથ ઉપર મતદાન

પ્રારંભે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કર્યું : કલેકટર કચેરીમાં લાઇવ પ્રસારણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩: સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી વિધાનસભાની પેટા ચૂંટણીનો હાલમાં રંગ જામ્યો છે ત્યારે આજે તેનું મતદાન વહેલી સવારથી જ યોજાઈ રહ્યું છે જેને લઇને સવારે બે કલાકમાં લીમડી ચુડા અને સાયલા ની જનતા દ્વારા ૧૦ ટકા જેટલું રેકોર્ડબ્રેક મતદાન કરી નાખવામાં આવ્યું છે ત્યારે લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૧૪ ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે જેમાંના ૧૨ અપક્ષ ઉમેદવારો આ લીમડી વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે.

ત્યારે આજે વહેલી સવારથી લીમડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ૪૨૦ બુથ મથકો ઉપર મતદાન કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન કરી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે કોંગ્રેસના લીમડી વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર ચેતનભાઇ ખાચર દ્વારા પોતાના ગામ સેજકપર ખાતે મતદાન કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા દ્વારા પણ પોતાના ગામ ભલગામડા માં વહેલી સવારે મતદાન કરવામાં આવ્યું છે.

અને બંને ઉમેદવારો દ્વારા લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે લીમડી સાયલા ચુડા ની જનતા મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી મૂકત, ન્યાયી અને પારદર્શકતા સાથે યોજાય તે માટે લીંબડી મતદાન વિભાગમાં મતદાનના દિવસે આજે ૧૨૫ જેટલા મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.૬૧ –લીંબડી મતદાન વિભાગમાં ૪૨૦ મતદાન મથકો આવેલા છે, જેની ઉપરથી ૧,૪૩,૪૫૦ પુરૂષ અને ૧,૨૮,૧૮૮ સ્ત્રી તથા ૪ અન્ય મતદાર મળી કુલ ૨,૭૧,૬૪૨ મતદારો મતદાન કરશે તેવું હાલ માં જાણવા મળી રહ્યું છે.

આ ૬૧ લીંબડી મતદાન વિભાગના કુલ ૪૨૦ મતદાન મથકો પૈકી ૧૨૫ મતદાન મથકોનું તારીખ ૩જી નવેમ્બરના રોજ મતદાનના દિવસનું વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. જે અન્વયે આઈ.સી.ટી. નોડલ ઓફીસરશ્રી કેતન નિરંજન દ્વારા મતદાનના આગલા દિવસે તા. ૨જી નવેમ્બરના રોજ વેબ કાસ્ટીંગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. ત્યારે ચૂંટણી દરમિયાન કોઇ ગેરરીતિ ન થાય તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગમાં જયાં મતદાન ચાલી રહ્યું છે તેવા ૧૨૫ સંવેદનશીલ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમમાં હાલમાં જોવામાં આવી રહ્યું છે.

(11:42 am IST)