Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ખંભાળીયામાં પતિએ અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી લેતા પત્નીની ફરીયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૩: ખંભાળીયામાં વિનાયક સોસાયટી  શેરી નં. ર માં રહેતી ચેતનાબેન કેવલભાઇ દુધરેજીયા નામની બાવાજી પરીણીતાએ ખંભાળીયા મહિલા પોલીસ મથકમાં પતિ કેવલ નરેન્દ્રભાઇ દુધરેજીયા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના લગ્ન ૨૦૦૨માં થયા છે અને પતિ દલાલીનું કામ કરે છે. લગ્ન જીવન દરમિયાન સંતાન ન થતા હોવાથી અવાર નવાર મેણા ટોણા મારી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મારકુટ કરતા હોય અને અન્ય સ્ત્રી સાથે મૈત્રીકરાર કરી ગત તા.૧-૯ થી ઘરે મને મુકીને ચાલ્યા ગયા છે. પોલીસે પતિ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 બીજા બનાવમાં કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધારમાં રહેતી રાધુબેન જેઠાભાઇ કાગડીયા (ઉ.વ.૩૦) નામની પરીણીતાએ પતિ જેઠાભાઇ લખમણભાઇ કાગડીયા, સસરા લખમણભાઇ, સાસુ મજુબેન, જેઠ માલદેભાઇ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીેસે ગુનો નોંધ્યો છે. પરીણીતાએ ફરીયાદમાં જણાવયું છે કે લગ્ન જીવન દરમિયાન પતિ સહીતના સાસરીયાઓ નાની નાની વાતમાં મેણા ટોણા મારી મારકુટ કરી ત્રાસ આપતા હોય આ અંગે પોલીસે ફરીયાદ  નોંધી તપાસ હાથ ધરી છે.

સુરજકરાડીમાં મકાનના તાળા તોડી અઢી લાખની ચોરી

મીઠાપુરના સુરજકરાડીમાં  એસબીઆઇ બેંક પાસે રહેતા રણછોડભાઇ ડાયાભાઇ નકુમ (ઉ.વ.૬૩) નામના દલવાડી નિવૃત પ્રૌઢે મિઠાપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.રના રોજ બપોરના સમયે મકાન બંધ હોય ત્યારે કોઇ અજાણ્યા તસ્કરોએ દરવાજાનું તાડુ તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા સોના-ચાંદીના તથા રોકડ ૩૦,૦૦૦ મળી કુલ રૂ. ર,૪પ,૦૦૦ની ચોરી કરી જતા પોલીસે ફરીયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

ગુંદામાં વર્લીનો જુગાર રમાડતો

ભાણવડના ગુંદા ગામે વરલીના આંકડા લખી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ભાણવડ પોલીસે દરોડો પાડતા વરલીનો જુગાર રમાડતો ધરમશી મહાદેવભાઇ વેળજા રહે. ગુંદા વાળાને રોકડ સહીત રૂ. ૧૧,પપ૦ની મતા સાથે ઝડપી લીધો હતો.

દ્વારકામાં ક્રિકેટનો સટ્ટો રમતો ઝડપાયોઃ એકનું નામ ખુલ્યું

દ્વારકાના રૂક્ષ્મણી ગેઇટ પાસે મોબાઇલમાં આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા યશવંત ઉર્ફે લાલો મગનભાઇ દવેને ઝડપી લઇ તેમની પાસેથી મોબાઇલ સહીત રૂ. ૧૪,૭૧૦ની મતા સાથે ઝડપી લઇ ગુનો નોંધી પુછપરછ કરી હતી. જેમાં આ આઇડી હિતેન્દ્રસિંહ ઉર્ફે હીતુ સુરેન્દ્રસિંહ કેર પાસેથી મેળવ્યું હોવાની કબુલાત આપતા તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(12:58 pm IST)