Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

માફિયા જયેશ પટેલની પત્નીને ધમકી આપનારા સામે ફરિયાદ

માફિયાની પત્નીના ઘરે જઈ ધમકી આપી આવ્યો હતો : ધાર્મિન માડમ નામના શખ્સે માફિયાની પત્નીને તેના અખબારમાં પોતાની વિરૂધ્ધ નહીં લખવા માટે ધમકાવી

રાજકોટ, તા. ૩ : જામનગરના ગેંગસ્ટર જયેશ રાણપરિયા (પટેલ)ની પત્નીને ધમકી આપવાના ગુનામાં પોલીસે એક શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધાર્મિન માડમ નામના શખ્સે જયેશની પત્ની ધ્રુતી રાણપરિયા (ઉં. ૩૬ વર્ષ)ને ૨૭ ઓક્ટોબરના રોજ ધમકી આપી હતી. ફરિયાદ અનુસાર, ધ્રુતી રાણપરિયા એક છાપું ચલાવે છે. જેમાં પોતાની વિરુદ્ધ ના લખવા માટે કહ્યું હતું, અને જો તેમ કરવાનું ચાલુ રાખ્યું તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

આ મામલે જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેની તપાસ કરી રહેલા પીએસઆઈ આરકે ગોસાઈના જણાવ્યા અનુસાર, આરોપી ધાર્મિન દિગ્વિજય પ્લોટમાં આવેલી ધાનેશ્વર સોસાયટીમાં આવેલા ધ્રુતીના ઘરે જઈ ધમકી આપી આવ્યો હતો.

પોતાની ફરિયાદમાં ધ્રુતીએ માડમ પર પોતાના સસરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ મૂક્યો છે. માડમ ધ્રુતીના ઘરે આવી ગાળો બોલી રહ્યો હતો ત્યારે તેની દીકરીએ સમગ્ર વાતચીત ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. જેને પુરાવા તરીકે રજૂ કરાઈ છે.

જયેશ રાણપરિયા સામે જામનગરમાં જમીન પચાવી પાડવાથી લઈને ખંડણી ઉઘરાવવાના અનેક કેસો નોંધાયેલા છે. કિરિટ જોષી મર્ડર કેસમાં પણ તે આરોપી છે, અને તે નાસીને દુબઈ જતો રહ્યો હોવાની પોલીસને શંકા છે. સ્વ. એડવોકેટ કિરિટ જોષી જયેશ સામે અનેક કેસ લડી રહ્યા હતા. ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. આ રવિવારે પોલીસે જયેશના વકીલ વસંત માનસત્તાની પણ ગુજસીટોક હેઠળ ધરપકડ કરી હતી.

વસંત માનસત્તાની સલાહના આધારે જ જયેશ પટેલ છાપામાં આવતી જમીનના સોદાની જાહેરખબર પર કોર્ટમાં વાંધાઅરજી તેમજ ફરિયાદો કરતો હતો. જામનગરમાં જયેશ પટેલની વધતી માફિયાગીરીની ઉચ્ચ સ્તરે ફરિયાદો થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી ચૂકેલા જાંબાજ અધિકારી દીપન ભદ્રનને જામનગર જિલ્લાના એસપી બનાવવામાં આવ્યા છે. દીપન ભદ્રન અને તેમની ટીમે અત્યારસુધી જયેશના અનેક મળતિયાની ધરપકડ કરીનેતેમને જેલના હવાલે કરી દીધા છે.

ખુદ પરિમલ નથવાણીએ પણ જયેશ પટેલની માફિયાગીરી વધતી હોવાની ફરિયાદ કરી હતી, અને દીપન ભદ્રનની ટ્રાન્સફર જામનગર કરાતા સરકારના આ પગલાંને વધાવ્યું પણ હતું. અત્યારસુધી પોલીસના હાથે જયેશના મળતિયા તો લાગી ગયા છે, પરંતુ જયેશ ક્યાં છે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

(9:50 pm IST)