Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

તળાજામાં માવઠા સાથે તેજ પવને ઘમરોળ્યુઃ અલંગ યાર્ડ અને વેચાણના પ્લોટમાં મોટાભાગે કામ બંધ રહ્યા : શિક્ષણ કાર્ય પર પણ અસર

 ભાવનગર : 'તાઉતે' વાવાઝોડાને લઈ તળાજા પંથકના ખેડૂતો હજુ નુકશાનીનો માર સહન કરી રહ્યા છે ત્યાં ફરી બે દિવસથી બદલાયેલા હવામાનને લઈ ખેડૂતો નીંદશા વધુ ખરાબ થઈ છે.હળવા વરસાદ સાથે તેજ પવન ફૂંકાવા લાગતા બાગાયતી પાકને નુકશાન થવા પામેલ છે. પરમ દિવસ રાત્રિથી તળાજા શહેર અને પંથક ના વાતાવરણમાં પલટો આવ્યો.ઝરમરથી લઈ ધીમીધારે શરૂ થયેલો વરસાદ અને ફૂંકાયેલા ભારે પવનને લઈ તળાજા શહેરમાં વૃક્ષોની અમુક ડાળીઓ તૂટીને જમીન દોસ્ત થઈ.તો મહુવા ચોકડી પર લોખંડનું વિશાલ હોર્ડીંગ પવનના કારણે બેવડું વળી ગયુ હતુ. દિવસ દરમિયાન બહાર નીકળવા ટાણે ગરમ વસ્ત્ર પહેરવું કે સાચવીને મુકિ દેવાયેલ રેઇન કોટ પહેરવો?તેવું વાતાવરણ સર્જાયું હતું.તળાજા યાર્ડના પૂર્વ પ્રમુખ હરિભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતુંકે તેજ પવનના કારણે જે કેળના પાકમાં ફળ આવ્યા હતા તે જમીન દોસ્ત થઈ ગયેલ.પોપૈયાના પાકના ઝાડ પણ તૂટી ગયા હતા.ચીકુનો ફાલ ખરી ગયો હતો. એ ઉપરાંત આ વખતે તળાજા પંથકમાં ચણાનું વાવેતર વધુથયેલ.પરંતુ ચણાને પાણી ઓછું જોઈતું હોય માવઠાના કારણે ચના,ડુંગળી,કપાસ સહિત તમામ પાકનું થોડા સમય પહેલાજ વાવેતર કરેલ હોય તેં તમામનું બિયારણ, દવા અને ખાતર માવઠાના કારણે નિષ્ફળ ગયેલ છે. માત્ર ખેતીને નુકશાન થયુ તેવું નથી. આજે હળવા વરસાદ સાથે પવન ભળતા ઠુઠવાઈ જવાય તેવી ઠંડી હતી.જેને લઈ વેપાર ધંધા પર અસર વર્તાઈ હતી.અલંગ ના વેપારી તેજપાલભાઈ યાદવના જણાવ્યા પ્રમાણે જહાજ કટિંગ ના ખાડાઓ અને છૂટક વેચાણ કરતા મોટાભાગના પ્લોટ બંધ રહ્યા હતા.હજુ આવતી કાલે જો આવુ જ વાતાવરણ રહેશે તો જન જીવન સાથે ધંધા રોજગાર અને ખેતી ને વધુ નુકસાન વેઠવાનો વારો આવશે. ઠંડી અને વરસાદના કારણે શાળા કોલેજ માં પાંખી સંખ્યા રહી હતી.

(10:57 am IST)