Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ભુજ આવેલા વિદેશી ૨૧ નાગરિકોના રિપોર્ટ નેગેટિવ : ભાવનગરમાં કોરોનાના ત્રણ નવા કેસ

જામનગરમાં ઓમિક્રોન વેરીયન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ : સેમ્પલ પૂણેની લેબમાં મોકલાયા : ફફડાટ

રાજકોટ તા. ૩ : જામનગરમાં આફ્રિકાથી પરત ફરેલા પ્રવાસીને કોરોના પોઝિટિવ નીકળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે  ઓમિક્રોનની તપાસ અર્થે સેમ્પલ પૂણે લેબ મોકલાયા છે  ગઈકાલે આફ્રિકાથી આવેલ દર્દીને કોરોના  થયો છે  જીજી હોસ્પિટલમાંથી નમૂના પુણે લેબમાં મોકલાયા  છે એક મહિનામાં જામનગરમાં ૩૪ કોરોના દર્દીઓ નોંધાયા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિ આફ્રિકાથી ભારત આવ્યો હતો. જો કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન પ્રમાણે તમામ વિદેશી લોકોનું ટેસ્ટ કરવામાં આવે. ત્યારે આ વ્યક્તિમાં ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થવાના અણસાર આવતા તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આઇસોલેટ કરાયેલ પુરુષમાં ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. હવે આફ્રિકાથી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેને આઈસોલેટ રાખવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ૨૯ દેશોમાં ૩૭૩ ઓમિક્રોનના કેસ દુનિયામાં રિપોર્ટ થયા છે. આ ઓમિક્રોન વેરિએન્ટ બીટા અને ડેલ્ટા વેરિએન્ટથી વધુ ઝડપથી ફેલાય છે. ડબ્લ્યૂએચઓના અનુસાર આ વેરિએન્ટમાં ૪૫ થી ૫૨ મ્યૂટેશન જોવા મળ્યા છે. ડબ્લ્યૂએચઓના અનુસાર રિપોર્ટમાં અત્યાર સુધી જે આવ્યા છે તેમાં તેને માઇલ્ડ મળી આવ્યો છે.
ભુજ
કચ્છમાં કોરોનાનો પંજો ધીરે ધીરે વિસ્તરી રહ્યો છે. વધુ ૩ દર્દીઓ સાથે અત્યારે એક્ટિવ દર્દીઓ નો આંકડો લાંબા સમય પછી વધીને ડબલ ફિગર તરફ આગળ ધપ્યો છે. અત્યારે એક્ટિવ દર્દીઓ નો આંકડો ૧૩ છે. આરોગ્ય તંત્ર સતર્ક છે. વિદેશથી આવેલા ૨૧ પ્રવાસીઓનો આરટીપીસીઆર રિપોર્ટ કરાવાયો છે. જે તમામ નેગેટિવ આવ્યો છે.
ભાવનગર
 ભાવનગરમાં સતત સાતમા દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. ભાવનગરમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૧ એ પહોંચી છે.
ગઇકાલે ભાવનગર શહેરમાં ૨ અને જિલ્લામાં કોરોનાનો એક -  નવો કેસ નોંધાયો હતો .  જિલ્લામાં ત્રણ નવા કેસ થી એકિટવ કેસનો આંક વધી ને  ૧૧ એ પહોંચ્યો છે. શહેરમાં પાંચ અને ગ્રામ્યનો બે એક્ટિવ કેસ છે. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લો થોડા દિવસ પહેલા કોરોનામુક્ત થયો હતો. પરંતુ  સતત સાતમા દિવસે જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.


 

(11:10 am IST)