Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સુરેન્દ્રનગરના ટાવર વિસ્તારમાં પાણી ન મળતા પાલિકામાં હલ્લાબોલ

વઢવાણ, તા. ૩ : સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકા માં શહેરી વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરવામાં આવ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ  સંયુકત નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં અંદાજે ૫૬ કરોડ રૂપિયાના ખર્ચે નવી પાણીની પાઈપલાઈનો નાખવામાં આવી છે તે છતાં પણ જિલ્લાના શહેરી વિસ્તારના અમુક વિસ્તારમાં પાણી પહોંચતું ન હોય તેવી રાવ ફરિયાદ ઉઠવા પામી છે.

અજરામર ટાવર ચોક વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પીવાનું પાણી ન મળતા નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારના નગરપાલિકાથી માત્ર ૨૦૦ મીટર દૂર આવેલા આ વિસ્તારમાં પીવાના પાણી માટે પણ સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને પીવાનું પાણી ભરવા માટે અન્ય વિસ્તારમાં જવું પડતું હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે.

નગરપાલિકા ખાતે વિરોધ પક્ષના નેતા આદમભાઈ જામ અને સ્થાનિક લોકો દ્વારા હલ્લાબોલ કરી અને રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં આ મામલે જો નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ સ્થાનિક લોકોએ ઉચ્ચારી છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર ભાઈ રાડીયા દ્વારા આ બાબતે તાત્કાલિક કોન્ટ્રાકટરોને તથા અધિકારીઓને સૂચના આપી આ વિસ્તારમાં પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા નળ કનેકશન માં ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે.

(11:39 am IST)