Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જામનગરના નભોમંડળમાં સોમવારે સાંજે યોજાશે અવકાશી અલૌકિક ઘટના

ખગોળ મંડળ - જામનગર દ્વારા ટેલિસ્કોપ ના માધ્યમથી 'આકાશ દર્શન' ના કાર્યક્રમનું આયોજન

જામનગર :જામનગરના નભોમંડળ માં સોમવારે સાંજે અલૌકિક અવકાશી ઘટના બનવા જઈ રહી છે. જેના નિદર્શનનો કાર્યક્રમ જામનગરના ખગોળ મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે, અને અત્યાધુનિક ટેલિસ્કોપના માધ્યમથી અવકાશી ઘટનાના નિદર્શનનો કાર્યક્રમ યોજાશે, જેનો ખગોળ પ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
 જામનગરના નભોમંડળમાં સોમવાર તારીખ ૬ ડિસેમ્બર ના સાંજે છ વાગ્યે ગુરુ ગ્રહના ચંદ્ર, અને શનિ ના વલયો, તેમજ શુક્રની કળા નું અવલોકન થાય તે અંગેની અવકાશી ઘટના બનવા જઈ રહી છે. જેનું અવલોકન કરવા માટે જામનગરના ખગોળ મંડળ દ્વારા અત્યાધુનિક ટેલિસ્કોપ ઉપરાંત હાઇટેક કેમેરા ના માધ્યમથી 'આકાશ દર્શન'નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
 સાથે સાથે તારાઓ, નક્ષત્ર, અને રાશીનો પણ પરિચય કરાવવામાં આવશે. આ ઉપરાંત જો વાતાવરણ ચોખ્ખું હશે તો ભાદ્રપદા માં રહેલો પૃથ્વીનો પહેલો પાડોશી એવા 'દેવયાની તારા વિશ્ર્વ' ને પણ જોઈ શકાશે. સાથે-સાથે શર્મિષ્ઠા તારા મંડળ, અને અભિજીત, શ્રવણ, તથા હંસપૂછ તારાઓનું પણ નિદર્શન કરીને તેનો પણ પરિચય કરાવવામાં આવશે.
 જામનગરના બેડેશ્વર વિસ્તારથી ઢીંચડા રોડ પર આવેલી તપોવન વિદ્યાલય માં સોમવારે સાંજે ૬.૦૦ થી ૭.૩૦ સુધી નિદર્શન નો કાર્યક્રમ યોજાશે. જેનો સર્વે ખગોળ પ્રેમી જનતાને લાભ લેવા જામનગર ખગોળ મંડળના શ્રી કિરીટ શાહની યાદીમાં જણાવાયું છે.

(11:05 pm IST)