Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જુનાગઢ જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકની ચુંટણી બાદ ભર્યા નાળીયેર જેવી વિકટ સ્‍થિતી

તંત્ર દ્વારા ૮૨ ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો હતો તે પણ પૂર્ણ થયો નથી : ગત ચુંટણીમાં જીતેલ ચાર બેઠક કોંગ્રેસ જાળવી રાખશે કે પછી ભાજપ ઝુંટવી જશે? સૌથી વધુ ૫.૮૫ ટકા ઓછું મતદાન હાઈપ્રોફાઈલ બેઠક વિસાવદર સીટ પર થયું: કોળી મતદારોનું પ્રભુત્‍વ ધરાવતી માંગરોળ બેઠક માટે ૧.૧૫ ટકા મતદાન વધ્‍યું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૩: જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકની ચુંટણી બાદ ભર્યા નાળીયેર જેવી વિકટ સ્‍થિતી પ્રવર્તે છે. ગત ચુંટણીમાં જીતેલ ચાર બેઠક કોંગ્રેસ જાળવી રાખશે કે પછી ભાજપ ઝુંટવી જશે? તેવો સવાલ સર્વત્ર પુછાય રહ્યો છે.

ગુરુવારે જીલ્લાની પાંચ બેઠક માટે ૫૯.૫૪ ટકા મતદાન થયું હતું. જેમાં ૧૨૭૨૩૫૬ મતદારોમાંથી ૪૧૮૪૧૫ પુરુષ, ૩૩૯૦૭૫સ્ત્રી અને અન્‍ય ૮ મળી કુલ ૭૫૭૪૯૮ મતદાતાઓએ પોતના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાંᅠ ભાગ લીધો હતો.

ગત ૨૦૧૭ની ચુંટણીમાં જીલ્લાની પાંચ બેઠક માટે કુલ ૬૩.૧૫ ટકા મત પડ્‍યા હતા. બેઠક વાઈઝ જોઈએ તો માણાવદર બેઠક માટે ૬૫.૧૨ ટકા, જૂનાગઢ-૫૯.૫૩ ટકા, વિસાવદર-૬૧.૯૫ ટકા, કેશોદ-૬૧.૧૪ ટકા અને માંગરોળ બેઠક માટે ૬૨.૪૪ ટકા મતદાન થયું હતું.

જયારે આ વખતે પાંચ બેઠક માટે ૫૯.૧૪ ટકા મત પડ્‍યા છે. બેઠક વાઈઝ મતદાન પર નજર ફેરવીએ તો માણાવદર બેઠક માટે ૬૧.૧૬ ટકા, જૂનાગઢ-૫૫.૮૨ ટકા, વિસાવદર-૫૬.૧૦ ટકા, કેશોદ-૬૨.૦૫ᅠ ટકા અને માંગરોળ બેઠક માટે ૬૩.૫૯ ટકા મતદાન થયું હતું.

૨૦૧૭ અને ૨૦૨૨ વિધાનસભા ચુંટણીનાં મતદાનને લઈને ઘણો વધ-ઘટનો તફાવત જોવા મળ્‍યો છે. કુલ મતદાનમાં જ ૩.૬૧ ટકા ઘટાડો નોંધાયો છે. જયારે આ વખતે બેઠક પ્રમાણે માણાવદર સીટ માટેᅠ ૩.૯૬ ટકા ઓછા મત પડ્‍યા છે.આ જ પ્રમાણે જૂનાગઢ બેઠક માટે ૩.૭૧ ટકા અને વિસાવદર બેઠક માટે ૫.૮૫ ટકા ઓછું મતદાન થયું છે. જોકે કેશોદ બેઠક પર નજીવું ૦.૯૧ ટકા અને માંગરોળ બેઠક માટે ૧.૧૫ ટકા મતદાન વધ્‍યું છે.

જૂનાગઢ જિલ્લામાં હાઈપ્રોફાઈલ બેઠક વિસાવદર સીટ ગણાય છે. અહીં જ આ વખતે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ ૫.૮૫ ટકા મતદાન ઘટ્‍યું છે. આ બેઠક પરથી ભાજપનાં હર્ષદભાઈ રીબડીયા, કોંગ્રેસના કરશનભાઇ વાડોદરિયા તથા આપમાંથી ભુપતભાઈ ભાયાણી સહિત પાંચ ઉમેદવારોએ ઝુકાવ્‍યું હતું. ૨૦૧૭માં કોંગ્રેસમાંથી હર્ષદભાઈ રીબડીયા ચુંટાયા હતા.પરંતુ તાજેતરમાં રીબડીયાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરતા પાર્ટીએ તેમને ટિકિટ આપીને વિસાવદરના ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. આથી તેઓ ચુંટાય આવશે કે પછી કોંગ્રેસ વિજયી થશે. તેવા સવાલ વચ્‍ચે ૫.૮૫ ટકા ઓછું મતદાન શું પરિણામ લાવશે તે તો ૮ ડિસેમ્‍બરે જ માલુમ પડશે.

જયારે કોળી મતદારોનું પ્રભુત્‍વ ધરાવતી માંગરોળ બેઠક માટે ૧.૧૫ ટકા મતદાન વધ્‍યું છે. માંગરોળ બેઠક પર ભાજપના ભગવાનજીભાઈ કરગટીયા, કોંગ્રેસના બાબુભાઈ વાજા તથા આપમાંથી પિયુષ પરમાર સહિત ૬ ઉમેદવારોએ ચુંટણી લડી હતી.

માંગરોળ બેઠકની સાથે કેશોદ બેઠક માટે ૦.૯૧ ટકા મત વધ્‍યા છે. નજીવું મતદાન વધવાથી કોણ બાજી મારી જાય છે તે જોવાનું રહ્યું.

જિલામાં વિસાવદર બેઠક બાદ સૌથી ઓછું મતદાન ૩.૯૬ ટકા માણાવદર બેઠક માટે થયું છે. આ જ પ્રમાણે જૂનાગઢ વિધાનસભા બેઠક પર ગત ચુંટણી કરતા આ વખતે ૩.૭૧ ટકા ઓછા મત પડ્‍યા છે. જેથી પૂર્વ કેબિનેટ મંત્રી ભાજપના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાને ફાયદો થશે કે નુકશાન કરાવશે?

જૂનાગઢ બેઠક કોંગ્રેસ પાસેથી ખુંચવી લેવા માટે ભાજપે નવો ચહેરો સંજયભાઈ કોરડિયાને ચુંટણી જંગમાં ઉતર્યા હતા.હવે ૮ ડિસેમ્‍બરે કોના તરફી પરિણામ રહે છે તે જોવું રહ્યું. તંત્ર દ્વારા ૮૨ ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો હતો તે પણ પૂર્ણ થયો નથી.

(10:21 am IST)