Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કચ્‍છની ૬ બેઠકોના EVM સીલઃ લોકોમાં ચર્ચા ઓછા મતદાનથી કોને ફાયદો કોને નુકસાન?

રાજકીય પક્ષોની અવઢવ, મતદારોનું વલણ કઈ તરફ?,અત્‍યારે ૫૯.૮૦ ટકા મતદાન જયારે ૨૦૧૨ માં ૬૮ ટકા, ૨૦૧૭ માં ૬૪ ટકા જેટલું ઉંચું મતદાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૩: કચ્‍છ જીલ્લાની ૬ બેઠકોનું મતદાન પૂર્ણ થયા બાદ ચ્‍સ્‍પ્‍ ભુજ ની સરકારી કોલેજમાં સીલ કરી ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે. રાજયમાં ૮૯ બેઠકોના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કચ્‍છની ૫૪ બેઠકો પૈકી કચ્‍છની ૬ બેઠકોની ચુંટણી પૂરી થઈ ચૂકી છે. ત્‍યારે મતદાનની ઓછી ટકાવારીને લઈને લોકોમાં ચારે કોર એ ચર્ચા છે કે, કહો જોઈએ કોણ જીતશે ? આ વખતે ગુજરાતમાં મતદારોનું વલણ જાણે અકળ લાગી રહ્યું છે. મતદારો કમળ ખીલવશે, પંજાનો હાથ પકડશે કે પછી ઝાડુ ને સાથ આપશે? ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે આપ ની એન્‍ટ્રી પછી મતદારો કોની તરફ ઢળશે? મતદાન પેટીઓ ખુલ્‍યા પછી શું ત્રિપાંખિયો જંગ વર્તાશે? ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં ઠંડી વચ્‍ચે પણ મતદાન બાદ રાજકીય ભવિષ્‍યની ચર્ચાઓથી ગરમાટો વધ્‍યો છે. ૨૦૨૨ ની હાલની વર્તમાન વિધાનસભાની ચુંટણીમાં કચ્‍છ જિલ્લામાં ૫૯.૮૦ ટકા મતદાન નોંધાયું છે. આંકડાકીય રીતે જોઈએ તો કચ્‍છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠક પર થયેલ મતદાનની ટકાવારી આ પ્રમાણે છે. અબડાસા ૬૩.૭૫ ટકા, માંડવી-મુન્‍દ્રા ૬૫.૧૯ ટકા, ભુજ ૬૧.૬૩ ટકા, અંજાર ૬૪.૧૩ ટકા, ગાંધીધામ ૪૭.૪૧ ટકા, રાપર ૫૮.૧૮ ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન માંડવી-મુન્‍દ્રામાં ૬૫.૧૯ ટકા,જયારે સૌથી ઓછું મતદાન ગાંધીધામમાં ૪૭.૬૧ ટકા થયું છે. કુલ ૧૬ લાખ ૩૫ હજાર ૮૭૯ મતદારો પૈકી ૯ લાખ ૭૬ હજાર ૧૦૮ મતદારોએ મતદાન કરતાં ૫૯.૮૦ ટકા થયું છે. જોકે, વાસ્‍તવિકતા એ છે કે, આ વખતે મતદારો ઉદાસીન રહ્યા છે. આંકડાઓ આ હકીકત દર્શાવે છે. કચ્‍છ જિલ્લાની ગત બે વિધાનસભા ચૂંટણીઓના આંકડાઓ જોઈએ તો ૨૦૧૨ માં ૬૮ ટકા જયારે ૨૦૧૭માં ૬૪ ટકા મતદાન થયું હતું. જેની અપેક્ષાએ આ વખતે ચુંટણીની ગરમી, મતદાન માટે તંત્રના પ્રયાસો, રાજકીય પક્ષો દ્વારા આકમક ચુંટણી પ્રચાર વચ્‍ચે પણ મતદારો ઉદાસીન રહ્યા હોય એવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

 ૨૦૧૨ ની ચુંટણીમાં ૬૮ ટકા ભારે મતદાન વખતે ભાજપને ૫ અને કોંગ્રેસને ૧ બેઠક મળી હતી. ૨૦૧૭ માં ૬૪ ટકા મતદાન વખતે ભાજપને ૪ અને કોંગ્રેસને ૨ બેઠક મળી હતી. જોકે, પાછળથી એક કોંગ્રેસી ધારાસભ્‍યએ કેસરિયા કર્યા પેટા ચુંટણીમાં જીત્‍યા અને ભાજપે ૫ બેઠકો મેળવી, કોંગ્રેસ પાસે ૧ બેઠક રહી પણ હવે આ વખતે શું થશે? અત્‍યારે તો મતદાનની ટકાવારી પછી કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોએ કચ્‍છમાં પોતાની તરફેણમાં મતદાન થયું હોવાનું ગણિત માંડી જીતનો દાવો કર્યો છે.

તો, આપ પાર્ટી પણ કચ્‍છમાં જીત મેળવશે એવો આશાવાદ વ્‍યક્‍ત કરી રહી છે. પરંતુ, મુખ્‍ય વાત એ છે કે, મતદારો ઉદાસીન શા માટે રહ્યા? ડબલ એન્‍જિન સરકાર ગણાવી ચુંટણી લડનાર ભાજપ હોય, સ્‍થાનિક ઉમેદવારોને ભરોસે ચુંટણી લડતી કોંગ્રેસ પાર્ટી હોય કે પછી મફત ના વાયદાઓ સાથે મેદાનમાં ઉતરનાર આમ આદમી પાર્ટી હોય એ દરેક રાજકીય પક્ષો માટે મતદારોની ઉદાસીનતા ઘણું બધું કહી જાય છે. વિકાસની વાતો વચ્‍ચે આ ચુંટણીમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખરાબ રોડ રસ્‍તાઓ, ગંદકી, રખડતા ઢોરો, પેન્‍શન યોજના અંગે કર્મચારીઓની નારાજગી વગેરે મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. ત્‍યારે ચુંટણી પરિણામો શું આવે છે એ જોવું રહ્યું.

(10:22 am IST)