Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

વિસાવદર-ભેસાણની બેઠક પર હજારો-લાખોની શરતો લગાવનારા મુંઝાયાઃ કોણ જીતશે..? સૌના જીવ ઉચ્‍ચકઃ જબરી અનિヘતિતા

ત્રિપાંખિયો જંગ અને ઓછા મતદાને અચ્‍છા-અચ્‍છાની ઉંઘ હરામ કરી દીધીઃ દબાતી જીભે જીતના દાવા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૩: સમગ્ર ગુજરાતમા રાજકીય દ્રષ્ટીએ ધ્‍યાનાકર્ષક ગણાતી વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રની બેઠક પર કહેવાય છે કે, હજારો-લાખોની શરતો લગાવનારા મુંઝાયા છે. જબરી અનિશ્‍તિતા વચ્‍ચે સૌના જીવ ઉચ્‍ચક છે. ત્રિપાંખિયો જંગ અને ઓછા મતદાને અચ્‍છા-અચ્‍છાની ઉંઘ હરામ કરી દીધી છે. દબાતી જીભે સૌ દાવા કરી રહ્યા છે, પણ આત્‍મવિશ્વાસનો અભાવ હોવાનુ જાણકારો કહી રહ્યા છે.

વિસાવદર-ભેસાણની બેઠક પર ૫૬.૧૦ ટકા મતદાન થયુ છે.જે ૨૦૧૭ની સરખામણીએ ૫.૮૫ ટકા મતદાન ઓછુ થયુ છે. આ બેઠક પર ૨૦૧૨મા ૬૬.૩%, ૨૦૧૭મા ૬૧.૯૫%, ૨૦૨૨મા ૫૬.૧૦% મતદાન થયુ છે. કુલ મતદારોઃ-૨૫૯૨૨૪માંથી પુરુષઃ૮૦૭૯૧,સ્ત્રીઃ ૬૩૭૨૦, અન્‍યઃ-૨ મળી કુલઃ-૧૪૪૫૧૩ મતદારોએ મતદાન કર્યુ છે.સ્ત્રી મતદારોમા મતદાન પ્રત્‍યેના ઉત્‍સાહના અભાવે સૌને અકળામણ વધારી છે.

આ બેઠક પર પ્રારંભથી જ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ત્રિપાંખિયો રસાકસીભર્યો ચૂંટણી જંગ હોવાનુ સ્‍પષ્ટ થઈ ચૂકયુ હતુ. મતદાન બાદ ત્રણેય ઉમેદવારોની તથા પક્ષની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. સૌએ જીત માટે એડીચોટીનુ જોર લગાવ્‍યુ છે. ચૂંટણીના પ્રારંભથી અંતિમ પડાવ સુધી આ બેઠકની વાસ્‍તવિક સ્‍થિતિનો કોઈ ચોક્કસ કયાસ કાઢી શકયુ નથી. જેથી આ બેઠક પર ભર્યા નાળિયેર જેવી સ્‍થિતિ હોવાનુ અને તિવ્ર રસાકસીની વાતો ચોરે ને ચૌટે પહેલેથીજ ચર્ચાઈ રહી છે. જો કે,દરેક ઉમેદવારો-પક્ષ જીતના દાવા કરી રહ્યા છે, પણ સૌના જીવ ઉચ્‍ચક હોવાનુ ચિત્ર ખડુ થઈ રહ્યુ છે.

વિસાવદર-ભેસાણ-જૂનાગઢ આમ ત્રણ તાલુકા સમાવિષ્ટ આ બેઠકમા કયા તાલુકામાથી કોને કેટલા મત મળશે..? કોણ કોના મત કાપશે..? કોણ જીતશે..? કોણ નિકટનુ હરીફ રહેશે..? ગામડાઓનો ઝુકાવ કોના તરફી રહેશે..? ઓછુ મતદાન કોને ફળશે..? કોની નાવડી ડુબાડશે..?

સહિતના અનેકવિધ મુદ્દે લોકોમા તરેહતરેહની ચર્ચા અને અવનવા તર્કવિતર્ક થઈ રહ્યા છે.

આ બેઠક પર ભાજપના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ રિબડીયા અગાઉ સતત બે વખત કોંગ્રેસના ધારાસભ્‍ય રહી ચૂકયા છે. આ વખતે કોંગ્રેસ છોડી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમા ઝુકાવ્‍યુ હતુ.

કોંગ્રેસના ઉમેદવાર શ્રી કરશનભાઈ વાડોદરિયા ૧૯૯૫મા તાલુકા પંચાયતના સદસ્‍ય તરીકે રાજકીયક્ષેત્રે પ્રવેશી વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેમના ધર્મપત્‍નિ શ્રીમતિ ચંદ્રિકાબેન વાડદોરીયા છેલ્લી બે ટર્મથી જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્‍ય છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ભુપેન્‍દ્રભાઈ ભાયાણી ભેસાણ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રહી ચૂકયા છે.

આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી-અપક્ષ સહિત કુલ સાત ઉમેદવારો મેદાનમા છે.

વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્ર વિસ્‍તાર-વસ્‍તી-ક્ષેત્રફળની દ્રષ્ટીએ વિશાળ છે. આ વિધાનસભા મતક્ષેત્રમા વિસાવદર તાલુકાના ૮૧, ભેસાણ તાલુકાના ૪૨, જૂનાગઢ તાલુકાના ૪૧ મળી કુલઃ ૧૬૪ ગામોનો સમાવેશ થાય છે. આ મતક્ષેત્રમા નગર પાલિકા-૧, જિલ્લા પંચાયતની બેઠકો-૮, તાલુકા પંચાયતની બેઠકો-૪૭નો સમાવેશ થાય છે. હવે આ વિશાળ મતક્ષેત્રના પ્રતિનિધિત્‍વ કરવાનો લ્‍હાવો કોને મળે છે..? તે અંગે આઠમીએ પરિણામ નક્કી કરશે.

અત્રે ઉલ્લેખનિય છે કે,વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પર કુલ-૧૪ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જે પૈકી ૭ ઉમેદવારીપત્રો માન્‍ય રહ્યા હતા. જેમાં (૧) કરશનભાઈ નારણભાઈ વાડદોરીયા-વિસાવદર-ઈન્‍ડીયન નેશનલ કોંગ્રેસ (૨) વાઘેલા મનસુખભાઈ નાથાભાઈ-ભેસાણ-બહુજન સમાજ પાર્ટી (૩) હર્ષદકુમાર માધવજીભાઈ રિબડીયા-વિસાવદર-ભારતીય જનતા પાર્ટી (૪) ભૂપેન્‍દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણી-ભેસાણ-આમ આદમી પાર્ટી (૫) ઈકબાલભાઈ હબીબભાઈ શમા-બિલખા-અપક્ષ (૬) હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા- પ્રેમપરા-અપક્ષ (૭) હિરપરા સિદ્ધાર્થ ભરતભાઈ-વિસાવદર-અપક્ષનો સમાવેશ થતો હતો. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસે આ સાત ઉમેદવાર પૈકી (૧) હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા-અપક્ષ-પ્રેમપરા (૨) હીરપરા સિદ્ધાર્થ ભરતભાઈ-અપક્ષ-વિસાવદરએ ઉમેદવારીપત્ર પાછુ ખેંચી લેતા કોંગ્રેસ-ભાજપ-આમ આદમી પાર્ટી-બહુજન સમાજ પક્ષ તથા અપક્ષ સહિત પાંચ ઉમેદવારો મેદાનમા રહ્યા હતા.હવે પાંચ ઉમેદવારો પૈકી કોણ ધારાસભ્‍ય બને છે..? એ જોવુ રહ્યુ.

છેલ્લે...સામાન્‍ય રીતે ત્રિપાંખિયા જંગમાં સત્તાધારી પક્ષના વિરોધી મતોનુ વિભાજન થતુ હોય,જેનો ફાયદો સત્તાધારી પક્ષને મળી શકે તેવુ તારણ વિશેષ સ્‍વરૂપે સૌ પ્રદર્શિત કરતા જોવા મળે છે,આમછતાય ચિત્ર અસ્‍પષ્ટ હોવાનુ કહેનારાઓની સંખ્‍યા પણ વિશેષ છે..!!!

(12:53 pm IST)