Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

મોરબી પાલિકાથી રેલવે સ્ટેશન સહિતના ચાર રૃટ પર સિટી બસ શરૃ કરવા પાલિકાને રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તાફ ૩ : સિરામિક નગરી ગણાતું મોરબી દિન પ્રતિદિન વિસ્તરી રહ્યું છે. જિલ્લાનું મુખ્ય શહેર હોવાના કારણે તેમજ શાળા કોલેજ હોસ્પિટલ મુખ્ય બજાર પણ હોવાથી દરરોજ હાજરોની સંખ્યામાં લોકો મોરબીમાં અવન જાવન કરે છે. તો શહેરમાં પણ લોકોની અવર જવર રહે છે. આ ઉપરાંત સિરામિક ઉદ્યોગ નજીક હોવાથી ખૂબ મોટી સંખ્યામાં મોરબી શહેરના જ લોકો સિરામિક ઝોન વિસ્તારમાં અપ ડાઉન કરે છે. ત્યારે મોરબીમાં ચાર જેટલા રૃટ ઉપર સિટી બસની સેવા શરૃ કરવાની માંગ સામાજિક આગેવાન ડો. બી.કે. લહેરુએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ કરી છે. 

આ અંગે રજૂઆત કરતાં ડો. બી.કે. લહેરુએ જણાવ્યુ હતું કે,મોરબી અને આસપાસની ગ્રામ્ય જનતાને સિટી બસની સુયોગ્ય સુવિધા મળે છે. ત્યારે હજુ ચાર જેટલા સૂચિત રૃટ પર સિટી બસ શરૃ કરવામાં આવે તો તેનો અનેરો લાભ નાગરિકોને મળે તેવી જનતાની લાગણી અને માગણી છે તેવું તેમણે જણાવ્યુ હતું અને સત્વરે અમલ કરવાની વિનંતી કરી હતી. આ રજૂઆતમાં ડો.લહેરુએ મોરબી નગરપાલિકાથી રેલવે સ્ટેશન, મોરબીથી પીપળીયા ચાર રસ્તા સુધી (વાયા જેપુર, ખાખરાળા, બરવાળા), મોરબીથી મોટા જડેશ્વર- નાના જડેશ્વર (વાયા નરસંગ ટેકરી, રવાપર, સજનપર, ધુનડા, નાના જડેશ્વર) અને મોરબીથી ખાનપર (વાયા શકત શનાળા, રાજપર, ચાચાપર, થોરાળા) સુધી સિટી બસ સેવા શરૃ કરવામાં માંગ કરી હતી.

(1:09 pm IST)