Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

લેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપી વિરૂધ્ધ કોઇ પ્રકારની કાર્યવાહી નહિ કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. ૪ : ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૧૭-૬-૨૦૨૧ ના રોજ ગોંડલના રહેવાસી જયાબેન જસમતભાઇ ભૂત દ્વારા ગોંડલ તાલુકા ના ચોરડી ગામના રહેવાસી રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલા તથા અન્યો વિરૂધ્ધ કરવામાં આવેલ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ ઉપર આરોપીઓ વિરૂદ્ઘ કોઇપણ પ્રકારની કાર્યવાહી નકરવા તથા ફરીયાદના અંગેની તમામ કાર્યવાહી ઉપર સ્ટે કરતો હુકમ ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટીસ શ્રી અરવીંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રી ફરમાવેલ છે.

બનાવની ટૂંક હકીકત એવી છેકે ગત તા.૧૭-૬-૨૦૨૧ ના રોજ ગોંડલના રહેવાસી એ જયાબેન જસમતભાઈ ભૂત દ્વારા ચોરડી ગામના રહેવાસી રાજેન્દ્રસિંહ ઝાલા તથા અન્યો વિરૂદ્ઘ લેન્ડ ગ્રેબીંગના કાયદા અનુસાર ફરીયાદ નોંધાવેલ હતી જે ફરીયાદમાં કરવામાં આવેલ આક્ષેપો મુજબ આરોપીઓ ફરીયાદી ને કલેકટર દ્વારા ચોરડી ગામના રેવન્યુ સર્વે નં.૧૮ ના ખરાબા વાળી જમીન પેટ્રોલપંપ બનાવવા માટે ફાળવવામાં આવેલ હતી જે જમીનમા આરોપીઓ ફરીયાદી ને પ્રવેશવા દેતા નથી તેમજ સદરહુ જમીન ઉપર કદીપણ ફરીયાદી આવશે તો જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી રહેલ હોવાની અને સદરહુ જમીન ઉપર આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ હોવાના આક્ષેપો ફરીયાદ માં કરવામાં આવેલ હતા.

આ ફરીયાદ નોંધાયા બાદ આરોપી રાજેન્દ્રસિંહ ઝાલા એ કાનુની સલાહકાર સંજય પંડિતની સલાહ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઇકોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કાયદાની જોગવાયો કાયદા વિરૂધ્ધની હોઇ તેમજ ભારતીય બંધારણ ના આર્ટીકલ ૧૩,૧૪,૧૯,૨૦,૨૧,રપ૪ના ઉલ્લંધન સમાન હોય સમગ્ર કાયદાને ચેલેન્જ કરતી તેમજ આરોપી વિરૂધ્ધની ફરીયાદ રદ કરતી માંગણી સાથે પીટીશન ફાઇલ કરવામાં આવેલ હતી જેની સુનવણી દરમ્યાન આરોપીના વકીલ સમીરભાઈ સોજાતવાલાની ધારદાર દલીલોને ધ્યાને લઇ હાઇકોર્ટે સદરહુ ફરીયાદ અનુસંધાને કોઇપણ પ્રકારની કાનુની કાર્યવાહી કરવા ઉપર સ્ટે લગાવતો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી વતી ધારાશાસ્ત્રી સમીરભાઇ સોજાતવાલા રોકાયેલ હતા તથા કાનુની સલાહકાર તરીકે પંડિત એશોસીએટ્સના સંજય પંડિત, કલ્પેશ એન. મોરી, આર.આર.બસીયા તેમજ બીનીતા જે. પટેલ રોકાયા હતા.

(1:26 pm IST)