Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામજોધપુરથી ઉપલેટા ખાનગી શાળામાં અભ્યાસ કરવા જતા ૧૧ વિદ્યાર્થીઓ સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં ભારે દોડધામ

એક વિદ્યાર્થીનીનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા પછી જામજોધપુરથી જતા ૩પ વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટ કરાવાયાઃ પરિવારના ચાર સહિત કુલ ૧પના પોઝીટીવ રીપોર્ટ મળ્યાઃ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા તમામ વિદ્યાર્થીઓને હોમ આઇસોલેશનમાં મુકાયાઃ વિદ્યાર્થીના પરિવારજનોના પણ કોવિડ ટેસ્ટની કાર્યવાહી

જામજોધપુર તા. ૪ :.. જામનગર જિલ્લાના જામજોધપુર રહેતા એકી સાથે ૧૧ વિદ્યાર્થીઓ અને પરિવાર ચાર સભ્યો સહિત ૧૩ લોકો કોરોના સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં ભારે હડકંપ મચી ગયો છે. અને તમામ વિદ્યાર્થીઓને હોમ આઇસોલેશનમાં મૂકી દેવાયા છે. સાથોસાથ તેમના પરિવારજનોના પણ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત શાળાને તાત્કાલીક અસરથી બંધ કરી દેવાઇ છે.

જામજોધપુરથી ઉપલેટા જતાં ૩પ વિદ્યાર્થીઓ પૈકી ૧૧ વિદ્યાર્થી અને તેમના પરિવારના ૪ સભ્યોના પોઝીટીવ રીપોર્ટ મળ્યા હોવાથી જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

આ અંગેની વિગતો એવી છે કે જામજોધપુર ટાઉનમાંથી એક ખાનગી સ્કુલ બસમાં ૩પ જેટલા વિદ્યાર્થીઓ ઉપલેટા પાસે આવેલી એક ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે, અને પ્રથમ ધોરણથી દસમાં ધોરણ સુધીના જુદા જુદા વિદ્યાર્થીઓ પ્રતિદિન અપડાઉન કરે છે. જે પૈકી દસમાં ધોરણની એક વિદ્યાર્થીની કે જે જામજોધપુરમાં રહે છે, તેણીને તાવ શરદીની અસર થઇ હોવાથી ગઇકાલે સોમવારે શાળાએ ગઇ ન હતી.

જેનો કોવિડ રીપોર્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી વિદ્યાર્થીના પરિવારમાં ચિંતા પ્રસરી હતી. દરમિયાન તેના પરિવારજનોએ અન્ય વિદ્યાર્થીઓને પણ જાણકારી આપી હતી. જેથી જામજોધપુર રહેતા અને ઉપલેટાની શાળામાં અભ્યાસ કરવા જતા ૩પ વિદ્યાર્થીઓને તાત્કાલીક ઉપલેટાની શાળાએથી જામજોધપુર બોલાવી લેવા અને તમામના કોવિડ ટેસ્ટ કરાવવા માટે નિર્ણય લેવાયો હતો.

તાત્કાલીક અસરથી સ્કુલ બસમાં તમામ વિદ્યાર્થીઓને જામજોધપુર લઇ આવ્યા પછી  બપોરે એક વાગ્યે જામજોધપુરના આરોગ્ય કેન્દ્રમાં પ્રત્યેક વિદ્યાર્થીઓના કોરોના પરીક્ષણ કરાવાયા હતા. જેમાં એકી સાથે વધુ ૧૧ વિદ્યાર્થીના કોરોના પોઝીટીવ રીપોર્ટ મળ્યા હોવાથી ભારે દોડધામ થઇ હતી, અને  તમામ વિદ્યાર્થીઓને હાલમાં હોમ આઇસોલેશનમાં મૂકી દેવાયા છે.

સાથોસાથ પ્રત્યેક વિદ્યાર્થીના વાલી અથવા તો તેમના પરિવારજનોના કોવિડ ટેસ્ટની કાર્યવાહી પણ હાથ કરી લેવામાં આવી હતી. જેમાં ચાર વાલીઓના પણ પોઝીટીવ રીપોર્ટ મળી આવ્યા છે, જેઓને પણ હોમ આઇસોલેશનમાં મૂકી દેવાયા છે.

જામજોધપુરના વિદ્યાર્થીઓના સંક્રમિત થયા ના અહેવાલને પગલે ઉપલેટા પંથકમાં આવેલી શાળા કે જયાંથી કોરોના સંક્રમણ ફેલાયું હોવાનું અને વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાથી શાળાને તાત્કાલીક અસરથી બંધ કરી દેવામાં આવી છે. અને તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવા જાણકારી આપી દેવામાં આવી છે. ઉપરાંત શાળામાં સેનીટેશનની સહિતની પ્રક્રિયા હાથ ધરી લેવાઇ છે. ઉપલેટા તેમજ આસપાસના પંથકના વિદ્યાર્થીઓના પણ કોવિડ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. જામનગર જિલ્લામાં એકી સાથે ૧૧ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના ૪ સભ્યો કોરોના સંક્રમિત બની ગયા હોવાનો પ્રથમ કિસ્સો બન્યો છે. જેથી વિદ્યાર્થી આલમમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

(10:50 am IST)