Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જુનાગઢ જેલના કેદીઓની ગજબની હિંમત, બેરેકમાં ટાઇલ્સ તોડીને બાખોરૂ બનાવ્યુ

બાખોરામાંથી બે મોબાઇલ પકડાતા ત્રણ કેદી સામે કાર્યવાહી

(વિનુ જોશી) જુનાગઢ તા. ૪: જુનાગઢ જેલના કેદીઓએ ગજબની હિંમત કરી બેરેકમાં ટાઇલ્સ તોડીને બનાવેલ બાખોરામાંથી બે-ત્રણ કેદીએ છૂપાવેલ બે મોબાઇલ જડતી દરમ્યાન મળી આવતા જેલ તંત્ર ચોંકી ઉંઠયું હતું.
જુનાગઢ જીલ્લા જેલમાં કેદીઓ પાસેથી કે બિનવારસી રીતે મોબાઇલ ફોન, પાન- બીડી, તમાકુ સહિતની પ્રતિબંધીત ચીજ વસ્તુ વારંવાર મળી આવે છે. પરંતુ રવિવારની રાત્રે જેલનાં ત્રણ કેદીનું નવુ પરાક્રમ પ્રકાશમાં આવ્યુ હતું.
રવિવારની રાત્રીના ૯.૪પ ના અરસામાં  જેલની બેરેક નં. પાંચમાં અંદરથી કેદીઓ મોબાઇલ ફોનમાં વાત કરતા હોવાનું જણાવતા જેલ સહાયક કલ્પેશ ગજેરા વગેરે દોડી ગયા હતાં.
આ બેરેકની જડતી લેતા બેરેકમાં ટાઇલ્સ તોડીને બનાવેલ બાખોરામાંથી સીમકાર્ડ સાથે ચાલુ હાલતમાં મોબાઇલ મળી આવ્યો હતો.
તેમજ ખોલી નં. ૪ નાં પાછળનાં ભાગેથી પણ મોબાઇલ મળી આવતાં બંને મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતાં.
આ પરાક્રમ કાચા કામના કેદી નરેશ ઉંર્ફે ભકો ખીમજીભાઇ ભજગોતર, બાબા ઉંર્ફ બબા હાજાભાઇ ચૌધરી અને સલીમ ઉંર્ફે સુલતાન બહાદુરભાઇ સીરાજીએ કર્યુ હોવાનું  જણાતા ત્રણેય સામે જેલ સહાયક કલ્પેશ ગજેરાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
વિશેષ તપાસ એ ડીવીઝનનાં પીએસઆઇ  આર. પી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

 

(11:16 am IST)