Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જસદણમાં ૧૦ મહિના પહેલા બનાવેલા ગૌરવ પથ-ટુ ના આરસીસી રોડમાં તિરાડો પડી ગઇ

 

(નરેશ ચોહલિયા) જસદણ તા. ૪ : વિંછીયા રોડ પર આવેલ ગૌરવપથ-૨ ને પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ૧૦ મહિના પહેલાં આરસીસી રોડથી સુસજ્જ કરવામાં આવ્યો હતો. પરંતુ આ રોડનું કામ પાયાથી જ નબળું કરવામાં આવ્યું હોવાથી ગણતરીના દિવસોમાં જ આ કરોડોના આરસીસી રોડમાં તિરાડો પડી જવા પામી હતી. રોડની ગુણવત્તા સામે શંકાની સોય ચીંધાઈ રહી છે. નબળી ગુણવત્તાવાળી કામગીરીના કારણે માત્ર ૧૦ મહિનાના ટૂંકા સમય ગાળામાં જ તિરાડો પડી જતા કામગીરી સામે જાગૃત લોકોમાં ભ્રષ્ટાચાર બાબતે મોઢા તેટલી વાતો થવા લાગી છે. જોકે ગૌરવપથ-૨ પર આવેલ બાપા સીતારામના ઓટા પાસે આરસીસી રોડ બેસી જવા પામ્યો છે. જેથી કરે કોઇ અને ભરે કોઇ તે ઉકિત મુજબ અજાણ્યા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આરસીસી રોડની ગુણવત્તા વધારવા માટે રોડમાં પડેલી તિરાડો બુરવામાં આવે અને જયાં-જયાં રોડ બેસી ગયો છે તેનું સમારકામ કરવામાં આવે તેવું જસદણના જાગૃત નગરજનો અને વાહનચાલકો રોષભેર જણાવી રહયા છે.

(11:35 am IST)