Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ઉનાની સરકારી હોસ્પીટલ તથા સિમર આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજનના અદ્યતન પ્લાન્ટનું લોકાર્પણ

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૪ :. સરકારી હોસ્પીટલ તથા સિમર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્યની ૮૪ લાખ ૫૯ હજાર, ૨૮૨ રૂપિયાની ગ્રાન્ટમાંથી એક સાથે ૪૦ દર્દીઓને ઓકસીજન અવિરતપણે મળે તેવો અદ્યતન પ્લાન્ટ જનરેટર સાથે કાર્યરત થતા ધારાસભ્ય પુંજાભાઈ વંશના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. દરરોજના રાજ્યમાં ૧૦૦૦ નવા કેસ આવે છે. આ વખતે ઓકસીજન વગર લોકોને હેરાન ન થવુ પડે તે માટે ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશે તેમની ૨૦૨૧-૨૨ની તેમને મળતી ગ્રાન્ટનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રે વાપરવા ઉનાની સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકિસજન પ્લાન્ટ માટે ૩૯ લાખ ૮૧ હજાર, ૨૪૫ રૂપિયા તથા સીમર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકિસજન પ્લાન્ટ માટે ૪૪ લાખ ૭૮ હજાર ૩૭ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા પ્લાન્ટ ફીટ થઈ જઈ જનરેટર સાથે કાર્ય પૂર્ણ થતા ઉનાની હોસ્પીટલના નીચેના વોર્ડમાં ૨૦ તથા ઉપરના વોર્ડમાં ૨૦ કનેકશન આપી ટેસ્ટીંગ પુરૂ થતા તેનુ લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય પૂંજાભાઈ વંશના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

પ્રાંત અધિકારી જે.એમ. રાવલ ઉનાની સરકારી હોસ્પીટલના અધ્યક્ષ ડો. એન.કે. જાદવ તથા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ડોકટર વિપુલભાઈ આર. કુમાતર, સામુહિક આરોગ્ય કેન્દ્ર સીમરનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ એક ઓકસીજન પ્લાન્ટ ૧૦૦૦ લીટર સંગ્રહ શકિતવાળો અને ૧૫ કે.જી. હવામાંથી ઓકસીજન કલેકટ કરી ૪૦થી વધુ દર્દીઓને ૨૪ કલાક પુરો પાડી શકે છે. તેમજ ધારાસભ્યશ્રીએ અત્યાર સુધીમાં દોઢ કરોડની ગ્રાન્ટમાંથી ૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફુલકા, છોકડવા, ફાટસર, ભાચા વગેરેને એમ્બ્યુલન્સ ફાળવેલ તથા નાના ઓકસીજન કોન્સ્ટ્રેટર મશીનો ફાળવેલ છે.

ઓગષ્ટ-૨૦૨૧માં જીલ્લા પંચાયત દ્વારા સરકારી હોસ્પીટલમાં ઓકસીજન પ્લાન્ટ ફીટ કરાવેલ તેનુ લોકાર્પણ કાર્યને ૪ માસ થવા છતા કાર્યરત થયો નથી તો તે પણ વહેલી તકે કાર્યરત થાય અને ઉના તાલુકાના દર્દીઓને વધુ ઓકસીજનની સુવિધા મળે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

(11:37 am IST)