Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

માંગરોળના આજકમાં પાણી વાળતા ખેડૂત ઉપર સાવજનો હૂમલો

(કમલેશ જોષી દ્વારા) કેશોદ તા. ૪ : માંગરોળ તાલુકાના આજકમાં ખેતરમાં પાણી વાળી રહેલા એક યુવાન ખેડુત પર સાવજે હુમલો કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ખેડુત યાકુબભાઈ યુસુફભાઈ બેલીમ વહેલી સવારે પોતાના ખેતરમાં ઘઉંમાં પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક સાવજ ચડી આવ્યો હતો અને યાકુબભાઇ પર હુમલો કરતા યાકુબભાઈને ઇજા પહોંચી હતી.

આ બનાવની જાણ થતાં આ યુવાનને પ્રથમ માધુપુર અને બાદમાં કેશોદ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો. આ ઘટના અંગે વનવિભાગના સ્ટાફને જાણ કરતા સ્થળ પર પહોચ્યો હતો અને હુમલો કરનાર સાવજનું લોકેશન શોધવા તજવીજ હાથ ધરી હતી.

આ બનાવથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો વન્યપ્રાણીઓને જંગલ વિસ્તાર તરફ ખસેડવામાં આવે એવી માંગ કરી હતી.

(11:40 am IST)