Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગિરનાર ૧૦.પ ડિગ્રીઃ ખંભાળીયામાં ઝાકળઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં રાહત

નલીયા ૧પ.પ, રાજકોટ ૧૭.૮ અમરેલીમાં ૧૬.ર ડિગ્રી લઘુતમ તાપમાનઃ મોડી રાત્રે-સવારે સામાન્ય ઠંડક

ખંભાળીયા : તસ્વીરમાં ખંભાળીયામાં છવાયેલ ઝાકળવર્ષા નજરે પડે છે. (તસ્વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા )(૬.૧)

રાજકોટ તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંં સર્વત્ર ઠંડકમાં રાહત યથાવત છે.આજે ગિરનાર ઉપર ૧૦.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જયારે નલીયામાં૧પ.પ, રાજકોટ ૧૭.૮, અમરેલીમાં ૧૬.ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

મોડી રાત્રીના અને સવારે સામાન્ય ઠંડકનો અનુભવ થયા બાદ આખો દિવસ હુંફાળુ વાતાવરણ અનુભવાય  છે.

જુનાગઢ

(વિજુ જોષી દ્વારા) જુનાગઢમાં આજે સવારે ૧પ.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જયારે ગિરનાર ખાતે ૧૦.પ ડિગ્રી ઠંડી રહી હતી.

સોમવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.ર ડિગ્રી રહ્યા બાદ આજે સવારે ઘટીને ૧પ.પ ડિગ્રી થતા ગુલાબી ઠંડી અનુભવાઇ હતી.

જો કે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહેતા ઘુમ્મસ છવાય ગયુ હતું સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.ર કિ.મી.ની નોંધાઇ હતી.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : પંથકમાં આજે સવારે ગાઢ ધુમ્મસ ભર્યો માહોલ છવાયો હતો. તાલુકાના મોટા ભાગના વિસ્તારમાં આજે સવારે ચઢતા પહોરે સાડા સાતેક વાગ્યાથી ઝાંકળ ઉતરી આવી હતી. આ ઝાંકળના કારણે પાણીનું આછું પડ છવાઇ ગયુ હતું. ધુમ્મસનું સામ્રાજ્ય હાઇવે પરના વાહન ચાલકો માટે હાલાકી ભર્યું બની રહ્યુ હતું. સવારના સમયે લોકોએ ગુલાબી ઠંડી સાથે આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તારીખ ૦૫/૦૧/૨૦૨૨ થી ૦૭/૦૧/૨૦૨૨ દરમિયાન ગુજરાત રાજયના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવેલ છે. જેથીસુરેન્દ્રનગરજિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ઉભા પાક તેમજ ઉત્પાદીત ખેત પેદાશના રક્ષણ માટે જરૂરી કાળજી લેવા જણાવાયુ છે.

જે અન્વયે ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલ પાક એટલે કે ખેત પેદાશ અને દ્યાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી, એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઇ જવી અથવા તો શકય હોય તો હવામાન ખાતાની આગાહી હોય તેવા સમય દરમિયાન ખેત પેદાશ વેચવાનું ટાળવું, બાગાયતી પાકોમાં જેવા કે શાકભાજી, ફળો, મરીમસાલા વગેરેની સલામતી માટે પણ કાળજી લેવી તેમજ શિયાળુ ઉભા ખેત પાકોમાં શકય હોય તો પિયત ટાળવુ તેમજ કમોસમી વરસાદ થાય તો જરૂરી પાક સંરક્ષણના પગલા લેવા તથા ખેતી ઇનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવા વધુમાં જણાવાયું છે. (૬.૧૪)

કયાં કેટલી ઠંડી

શહેર          લઘુતમ તાપમાન

અમદાવાદ              ૧૭.૮ ડીગ્રી

ગિરનાર                 ૧૦.પ  ડીગ્રી

અમરેલી                 ૧૬.ર  ડીગ્રી

વડોદરા                 ૧૬.૮  ડીગ્રી

ભાવનગર               ૧૭.૦  ડીગ્રી

ભુજ            ૧૬.૮  ડીગ્રી

દાદરાનગર હવેલી      ર૦.૦  ડીગ્રી

જુનાગઢ                ૧પ.પ  ડીગ્રી

દમણ           ર૦.ર  ડીગ્રી

ડીસા            ૧૬.ર  ડીગ્રી

દ્વારકા           ૧૯.૦  ડીગ્રી

કંડલા           ૧૭.૦  ડીગ્રી

નલીયા         ૧પ.પ  ડીગ્રી

ઓખા           ૧૯.૮  ડીગ્રી

પોરબંદર                ૧૮.૦  ડીગ્રી

રાજકોટ                 ૧૭.૮  ડીગ્રી

સુરત           ર૦.૦  ડીગ્રી

વેરાવળ                 ૧૯.૧  ડીગ્રી

(12:49 pm IST)