Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પોરબંદરના મીયાણીમાં ગેરકાયદે ૧૦ ખનીજ ખાણો ઝડપાઇઃ પથ્થર કટીંગ મશીનો-જનરેટરો સહીત કરોડોનો મુદામાલ જપ્ત

૩ સ્થળે ખાનગી તથા ૭ સ્થળે સરકારી પડતર જમીનમાં ખાણો ધમધમતી હતીઃ ગેરકાયદે ખોદકામ અંગે માપણી બાદ આરોપીઓ સામે કાર્યવાહી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪: તાલુકાના મીયાણીમાં ખાણ ખનીજ ખાતા દ્વારા ચેકીંગ હાથ ધરતા ૩ સ્થળોએ ખાનગી અને ૭ સ્થળોએસરકારી પડતર જમીનમાં ગેરકાયદે ધમધમતી ખાણો મળી આવી હતી. ગેરકાયદે ખાણોમાં ૧ર પથ્થર કટીંગ મશીનો ર જનરેટરો ટ્રેકટરો એક લોડર સહીત કરોડોનો મુદામાલ ખનીજ તંત્રના અધિકારીઓએ જપ્ત કર્યો હતો.

ગેરકાયદે ખોદકામની માપણી પુર્ણ થયા બાદ આરોપીઓ સામે આગળની કાર્યવાહી કરાશે

મીયાણી ગામે ગેરકાયદેસર ખાણો અંગે જીલ્લા કલેકટર અશોકભાઇ શર્માને માહીતી મળતા તેઓએ આ અંગે પ્રાંત અધિકારી કે.વી.બાટી, ગ્રામ્ય મામલતદાર શ્રીમતી બી.એચ.કુબાવત તથા પીઆરઓ સંદીપસિંહ જાદવને આ અંગે દરોડા પાડવા સુચના આપતા ત્રણેય અધિકારીઓની ટીમે મીયાણી ગામે દરોડા પાડતા ફુલવાડી વિસ્તારમાં અનઅધિકૃત ખનન મળી આવ્યું હતું. જેમાં સાત જેટલી સરકારી જમીન પર તથા ત્રણ સ્થળોએ ખાનગી જમીન કે જેમા રામદે વજશી, કારૂભા વરજાગભા જડીયા અને પ્રવિણ અરજણ ગરેજા નામના લીઝ ધારકોની લીઝ બહાર ખોદકામ થયુ હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી તેઓએ બાર જેટલા પથ્થર કટીંગ મશીન, બે જનરેટર, બે ટ્રેકટર, એક હીટાચી, બે ટ્રક, એક લોડર અને એક ટ્રેલર  સહીત કુલ રૂપીયા ૧ કરોડથી વધુ કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને સ્થળ પરથી કેટલી ખનીજ ચોરી થઇ છે તે અંગે તપાસ માટ ખાણ ખનીજ વિભાગની ટીમને સ્થળ પર બોલાવી હતી અને ખાણખનીજની ટીમે સર્વે શરૂ કરેલ હતો.

ગેરકાયદે ખોદકામની માપણી પુર્ણ થયા બાદ કરોડોની ખનીજ ચોરી સામે આવે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પીજીવીસીએલ દ્વારા બળેજ ગામે ગેરકાયદેસર ખાણ ઝડપી હતી. અને ૮૦ લાખની ચોરી ઝડપાઇ હતી.

(12:50 pm IST)