Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કેશોદ વિસ્તારમાં ત્રણ વીક વહેલા આંબામાં મોર આવ્યા

વાતાવરણમાં કુદરતી બદલાવને લઇને કેરીની સીઝન લાંબી ચાલશે તેવો સંભવ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૪: ફળોની રાણી કેરીનું નામ સાંભળતા જ કેરીના સ્વાદ રસીકોમાં ખુશીનો માહોલ જોવા મળેછે. ત્યારે આગામી વર્ષે કેરીના સ્વાદ રસીકો માટે સારા સમાચાર કહી શકાય આ વર્ષે કેરીનો સ્વાદ વહેલો ચાખવા મળશે તેવુ લાગી રહ્યું છે.

ગત વર્ષે ચોમાસાની શરૂઆતથી અવારનવાર વાતાવરણમાં બદલાવ રહેવાના અને કમોસમી વરસાદના કારણે આ વર્ષે કેશોદ તાલુકામાં આંબામાં મોર આવવાની વહેલી શરૂઆત થતાં અનેક આંબાઓમાં મોર આવ્યા છે. ત્યારે અચાનક વાતાવરણમાં પલટો થતાં અનેક આંબાઓમાં મોર આવતા અટકયાછે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે થી ત્રણ તબક્કામાં કેરીનું ઉત્પાદન થાય તેવી સંભાવના પણ સેવાઈ રહી છે દર વર્ષે માગસર મહીનો અડધો પુર્ણ થયા બાદ આંબામાં મોર આવવાની શરૂઆત થતી હોયછે ત્યારે કારતક મહીનામાં અનેક આંબાઓમાં મોર આવતા આ વર્ષે કેરીનું અંદાજે વીસ દિવસ એટલેકે ત્રણ વીક વહેલું આગમન થાય તેવો અંદાજ સેવાઈ રહ્યોછે. જોકે મોટાભાગના આંબામાં જે હજુ મોર નથી આવ્યા પણ આગોતરા પાછોતરા ફલાવરીંગથી ત્રણ તબક્કામાં કેરીનું ઉત્પાદન થવાની સંભાવના છે. જેથી કેરીના સ્વાદ રસીકોને કેરીનો વહેલો સ્વાદ ચાખવા મળશે તથા અવારનવાર વાતાવરણમાં બદલાવ થતો રહેવાના કારણે કેરીનું ઉત્પાદન કેટલું થશે તે હાલ કહેવું મુશ્કેલ છે પણ કેરીની સીઝન લાંબો સમય રહેશે તેવું નિષ્ણાંત ખેડુતોનું માનવુ છે.

(1:27 pm IST)