Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પશુઓ લઇ જતી વખતે દુર જવાનું કહેતા ભરવાડ યુવકની હત્યા

પાટડીના જરવલામાં :માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેતા મોત : ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૪ : જરવલા ગામના કેટલાક લોકો માલઢોર લઇને જઇ રહ્યાં હતા ત્યારે સતીષ સેંધાભાઇ ભરવાડ નામનો ૨૭ વર્ષનો યુવાન સામેથી આવતા લોકોએ એને રસ્તામાંથી દૂર જવાનું કહેતા સામ-સામે સામાન્ય બોલાચાલી થઇ હતી. બાદમાં આ સામાન્ય ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા લોકોએ આ સતીષ સેંધાભાઇ ભરવાડ પર ઘાતક હુમલો કરી માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેતા એ લોહિલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં પાટડી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનના નિલેશભાઇ પટેલ સહિતના સ્ટાફ દ્વારા એને ગંભીર લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જયાં આ યુવાનની હાલત નાજૂક જણાતા ફરજ પરના હાજર તબીબે એને વધુ સારવાર અર્થે રીફર કરાતા એને ગંભીર હાલતમાં વિરમગામ હોસ્પિટલે લઇ જવાયા બાદ ત્યાંથી અમદાવાદ સોલા સિવીલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જયાં સારવાર મળે એ પહેલા જ આ યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

આ હત્યાના બનાવની જાણ થતા પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા અને નિલેશભાઇ રથવી સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલમાં અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં આ યુવાનના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ લખાય છે ત્યાં સુધીમાં આ હત્યાના બનાવની પોલીસ ફરીયાદ નોંધવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ તો જરવલામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

(1:15 pm IST)