Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અમરેલી જીલ્લામાં ૮ વાહનચાલકો સહિત ૨૦૪ શખ્સો દારૂ પીધેલ ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૪ :. જિલ્લામાં ડ્રિંકસ એન્ડ ડ્રાઈવ દરમિયાન જુદા જુદા સ્થળોએથી ૨૦૪ શરાબીઓ ઝડપાયા હતા. જેમાં ૮ વાહન ચાલકો પણ નશો કરેલી હાલતમાં ઝડપાયા હતા. જેમને જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

ધમકી

સાવરકુંડલા શ્યામ રો હાઉસમાં રહેતી પ્રૌઢાને જયસુખ ઉર્ફે ભાયો રહે. સાવરકુંડલાવાળાએ ફોનમાં ગાળો બોેલતા ના પાડતા તેમના ઘરે જઈ ગાળો બોલી માતાને ઢીકાપાટુનો માર મારતા પરિણીત દિકરીએ માતાને બચાવવા વચ્ચે પડતા ઢીકાપાટુનો માર મારી ધમકી આપીને આબરૂ લેવાનો પ્રયાસ કર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

માર માર્યો

બગસરામાં મનોજભાઈ ભુપતભાઈ ઉનાવા (ઉ.વ. ૧૮) પોતાનું બાઈક મુકી રોડ ઉપર જતા હોય ત્યાં બોલાચાલીમાં અમુક છોકરાઓ ઝઘડો કરતા હોય, જે છોકરાઓ મનોજભાઈને સામાવાળા છે તેમ સમજી કરણવાળા અને નંદકિશોર ધાધલે હાથમાં પહેરેલ કડુ માથામાં મારી ઢીકાપાટુનો માર માર્યાની બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઈજા

સુલ્તાનપુરના ધનજીભાઈ કલાભાઈ સોલંકી અને ખોડાભાઈ હોન્ડા સીડી જીજે ૦૩ એચએસ ૮૪૫૯ લઈને દેવળકીથી જેતપુર જતા હતા ત્યારે દેવળકીથી વારાસડાના રસ્તે એક સફેદ કલરની ઈકો કારના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવતા પડી જતા બન્નેને ફ્રેકચર જેવી ઈજાઓ કરી નાસી ગયાની વડિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર

બહારપરા નાના ખાટડીવાડમાં જાહેરમાં જુગાર રમતા હનીફ હબીબભાઈ ડેરૈયા, ઈલિયાસ ઉર્ફે ઈલુ હારૂનભાઈ માંડલીયા, સમીર અબ્દુલભાઈ બોળાતરને લોકરક્ષક સંજયભાઈ પાટડીયાએ રોકડ રૂ. ૧૧૦૦ સાથે ઝડપી પાડયા હતા.

(1:27 pm IST)