Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે ૧૦૪ કરોડ રૂપિયાની ફાળવણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરી

મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તાના ૧૩ કામો માટે રૂ. ૧૦.૦૭ કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. ૧૧.૫૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

રાજકોટ તા.૪ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર મહાનગરપાલિકાને વિવિધ વિકાસ કામો માટે ૧૦૪.૦૬ કરોડ રૂપિયાની ફાળવણી માટે મંજૂરી આપી છે. 

   ભાવનગર મહાપાલિકાએ આ કામો માટે શહેરી વિકાસ વિભાગને કરેલી દરખાસ્તોને શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર મહાનગરપાલિકામાં રસ્તાઓના આર.સી.સી કામો, પેવર તથા રિકાર્પેટ કરવાના અને પેવીંગ બ્લોક નાખવાના કામો સાથોસાથ ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના રિપેરીંગ એમ કુલ ૭ કામો માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રૂપિયા ૧૧.૫૩ કરોડની ફાળવણી માટે અનુમોદન આપ્યું છે. 

ભાવનગર મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોના ૧૩ જેટલા માર્ગોના કામો માટે રૂ. ૧૦.૦૭ કરોડ ફાળવવાની પણ મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

એટલું જ નહિ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના ૬૪ કામો જેમાં પાણી પુરવઠા, શહેરી પરિવહન, પેવર રોડ વગેરે માટે અને સામાજિક માળખાકીય સુવિધાઓના ર૦ કામો માટે એમ કુલ ૮૪ વિકાસ કામો માટે કુલ ૮૨.૪૬ કરોડ રૂપિયા ફાળવવાની પણ તેમણે મંજૂરી આપી છે. 

આ વિકાસ કામોનો સમગ્ર ભાવનગર મહાનગરની ૬.૪૯ લાખની જનસંખ્યાને લાભ મળશે. 

 

(7:23 pm IST)