Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સોશિયલ મીડિયામાં અનેક લોકો જયસુખ પટેલના સમર્થનમાં : સિદસર ઉમિયાધામે પણ નિવેદન આપ્યું.

દુર્ઘટનાનું દુઃખ સૌને છે,પણ જો આ સમયે જયસુખભાઈને સ્પોર્ટ નહિ કરીએ તો ભવિષ્યમાં કોઈ ઉદ્યોગપતિ સામાજિક કાર્યો માટે આગળ નહીં આવે : ઉમિયા માતાજી ટ્રસ્ટ-સીદસરનું નિવેદન

 મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી એવા ઓરેવાના માલિક જયસુખ પટેલના સમર્થનના સોશિયલ મીડિયામાં આગેવાનો અને સંસ્થાઓ આગળ આવી રહી છે. ખાસ કરીને ઉમિયા માતાજી ટ્રસ્ટ-સિદસરે પણ જયસુખ પટેલના સમર્થનમાં નિવેદન જાહેર કર્યું છે.

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડતા 135 લોકોના મોત નિપજ્યા હતા. કાળજું કંપાવનારી આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ દુર્ઘટના મામલે જયસુખ પટેલ હાલ પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે ઉદ્યોગપતિઓ, આગેવાનો અને સંસ્થાઓ સોશિયલ મીડિયામાં જયસુખ પટેલના સમર્થનમાં આવવા લાગ્યા છે.
ઉમિયા માતાજી ટ્રસ્ટ- સીદસરનો એક નિવેદન પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે મોરબી ઝુલતો પુલ તૂટવાનો અકસ્માત એ દુઃખદ દુર્ઘટના હતી. સૌને તેનું દુઃખ છે. મૃતકોના પરિવાર પ્રત્યે સૌને સહાનુભૂતિ છે. ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સર્વ સમાજના અગ્રગણ્ય સામાજિક આગેવાન છે.
સૌરાષ્ટ્ર ભરમાં ગ્રામવિકાસ, જળસંચય, ચેકડેમ-તળાવ નિર્માણ, કૂવા-બોર રીચાર્જ, શિક્ષણ-આરોગ્ય – સામાજિક સેવાકાર્યો વિગેરેમાં અગ્રેસર દાતા છે. વિશ્વમાં સૌથી મોટા ઘડિયાળ ઉત્પાદક અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર ઉદ્યોગપતિ છે. અગ્રણી ઉદ્યોગપતિની સાથે સાથે ઓરેવા-ઓરપેટ પરિવાર તેમની સામાજિક જવાબદારી અને રાષ્ટ્રીય ફરજ નિભાવવામાં અગ્રેસર છે. સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃત રહી તેને પોતાની ફરજ સમજી સ્વીકારવાનો અને તેને ખંતથી નિભાવવાનો સ્વભાવ ધરાવતા જયસુખભાઈ મોરબીની ધરોહરને જાળવવા સામાજિક ફરજના ભાગરૂપે જુલતા પુલનું સંચાલન સંભાળેલ. ૧૦-૧૫ રૂપિયાની ટિકિટમાંથી ખર્ચ પણ ન નીકળે. પુલના રીપેરીંગમાં પોતાના લાખો રૂપિયાનો ખર્ચ કરેલ હોય ત્યારે ટિકિટમાંથી કમાણી કરી લેવાનો પ્રશ્ન જ નથી.
હા, બનેલી દુર્ઘટનાનું દુઃખ સૌને છે, પરંતુ એક સન્માનનીય સમાજસેવક, સામાજિક અગ્રણી અને ફરજનિષ્ઠ અગ્રગણ્ય ઉદ્યોગપતિના સમાજ સેવાની જવાબદારી નિભાવતાના શુભ આશય અને શુભ ભાવના ધ્યાને તેઓને સપોર્ટ કરવાની સૌની ફરજ છે. અન્યથા ભવિષ્યમાં કોઈ સામાજિક અગ્રણી-અગ્રગણ્ય ઉદ્યોગપતિ સામાજિક જવાબદારી-સામાજિક કાર્યો માટે આગળ નહીં આવે. જે ભવિષ્યમાં સામાજિક વ્યવસ્થા માટે ઘાતક સાબિત થશે

(11:54 pm IST)