Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

દ્વારકા નજીક કાર પલટી જતા જેતપુરના રાજસ્‍થાની વિપ્ર ચાલકનું મૃત્‍યુ : ત્રણને ઇજા

 ખંભાળિયા, તા. ૪ :  દ્વારકા નજીકના નાગેશ્વર રોડ ઉપર આવેલી એક ગૌશાળા પાસેથી ગઈકાલે પસાર થઈ રહેલી જી.જે. ૦૩ કે.એચ. ૬૯૯૮ નંબરની ટોયોટા કંપનીની ઇનોવા મોટરકાર એકાએક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્‍માતના કારણે મોટરકારમાં સવાર ચાર મુસાફરો પૈકી કાર ચાલક એવા મૂળ રાજસ્‍થાન રાજ્‍યના જોધપુરના વતની લક્ષ્મણભાઈ રામભાઈ જોશી (ઉ.વ. ૫૨, રહે. હાલબાવાવાળા પરા, જેતપુર,નું કરૂણ મળત્‍યુ નીપજ્‍યું હતું.

જ્‍યારે આ કારમાં જઈ રહેલા હાર્દિકભાઈ કિશોરભાઈ રૂપલ, ભાવેશભાઈ સી. મજીઠીયા અને જયેશભાઈ બાબુભાઈ ધામેલીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થતા સારવાર અર્થે સ્‍થાનિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવની જાણ ઇમર્જન્‍સી ૧૦૮ ને કરવામાં આવતા ૧૦૮ ના ઇએમટી સતિષભાઈ બાંભણિયા અને પાયલોટ રોહિતભાઈ કામરીયા તાકીદે ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને ઘવાયેલાઓને તાકીદની સારવાર અપાવી હતી.

આ બનાવ અંગે કારમાં જઈ રહેલા જયેશભાઈ ધામેલીયા (ઉ.વ.૩૧, રહે બાવાવાળા પરા, જેતપુર) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે મળતક કારના ચાલક લક્ષ્મણભાઈ જોશી સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

રસ્‍તા પર જઈ રહેલી મોટરકારમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા આ કાર પલટી ખાઈ ગઈ હોવાનું જાણવા મળ્‍યું છે. આ ઘટના અંગે દ્વારકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

 વીજ કરંટ લાગતા રણજીતપુરના ધરતીપુત્રનું મોત

કલ્‍યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા અને ખેત વ્‍યવસાય સાથે સંકળાયેલાનુંઘાભાઈ જેઠાભાઈ સુવા નામના ૪૦ વર્ષના આહીર યુવાન   વાડીમાં પાણી વારવા માટે જતા અહીં તેને જોરદાર વિજ કરંટ લાગ્‍યો હતો. આ ઈલેક્‍ટ્રીક શોર્ટ લાગતા તેમનું મળત્‍યુ નીપજ્‍યું હોવાની જાણ મળતકના નાનાભાઈ નારણભાઈ જેઠાભાઈ સુવાએ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

મેવાસાના યુવાન ઉપર ભાલા વડે હુમલો 

દ્વારકા તાલુકાના મેવાસા ગામના વાડી વિસ્‍તારમાં રહેતા પાસુભા નાનાભા માણેક નામના ૪૨ વર્ષના હિન્‍દુ વાઘેર યુવાનને ગત તારીખ ૨ ના રોજ રાત્રિના સમયે રસ્‍તામાં રોકી, આ જ ગામના હાડાભા ગગાભા માણેક, કારૂભા હાડાભા માણેક, રવિભા હાડાભા માણેક અને કરણભા ગગાભા માણેક નામના ચાર શખ્‍સોએ બિભત્‍સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યાની તથા ભાલા અને છરી તથા લાકડાના ધોકા વડે બેફામ માર મારીને ઇજાઓ કર્યાની ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી તથા આરોપીઓની જમીન એક જ શેઢે આવેલી હોય, આ સ્‍થળે ફરિયાદી પાચુભાના ભત્રીજાએ લીમડાના ઝાડમાંથી ડાળીઓ કાપેલી હોય, આ ડાળી કાપવા બાબતનો ખાર રાખી આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્‍યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

 મીઠાપુરમાં બે સ્‍થળોએ જુગાર દરોડામાં છ શખ્‍સો ઝડપાયા

મીઠાપુર ટાઉન વિસ્‍તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપતા વડે રોનપોલીસ નામનો જુગાર રમે રહેલા ભાવેશ નારણભાઈ સોમૈયા અને મુરુ લાખા ડાંગરા નામના બે શખ્‍સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૨,૫૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્‍ય એક દરોડામાં મીઠાપુર નજીકના આરંભડા સીમ વિસ્‍તારમાં ઘરની બહાર ગલીમાં બેસી અને ગંજીપના વડે તીનપતિ નામનો જુગાર રમતા નટુભા ગોદડભા માણેક, વિશાલભા પાલાભા માણેક, કરમણભા જખરાભા માણેક અને નવઘણભા ભુરાભા માણેક નામના ચાર શખ્‍સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૦,૮૯૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

ખંભાળિયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

ખંભાળિયાના પોરબંદર રોડ ઉપરથી કેફી પીણું પીધેલી હાલતમાં સીડી ડીલક્ષ મોટરસાયકલ લઈને નીકળેલા નાના આસોટા ગામા ગામના હાજા વીરાભાઈ ઠુંગા નામના ૩૫ વર્ષના ભરવાડ શખ્‍સને ટ્રાફિક પોલીસે ઝડપી લઈ, તેની સામે એમ.વી. એક્‍ટની ૧૮૫ તથા પ્રોહી. એક્‍ટ મુજબ કાર્યવાહી કરી હતી.

 

(11:38 am IST)