Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સાવરકુંડલાની ફ્રેન્‍ડઝ કો-ઓપ. હાઉસીંગ સોસાયટીના મકાનોને શરતભંગ અંગે રૂા. પ કરોડની રકમ સરકારમાં ભરવા હુકમ થતા ફફડાટ

આરટીઆઇ એકટીવીસ્‍ટ અને વ્‍હીસલ બ્‍લોઅર ડો. આર.યુ.મેહતાની ૧૪ વર્ષની મહેનત અંગે સરકાર દ્વારા સન્‍માનની વાત તો એકબાજુ પણ તમામ સરકારી કચેરીઓને આંખના કણાની જેમ ખૂંચતા હોય, એક સંપ થઇને બદનામ કરવાના જ કારસાઓ કર્યા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૪ : સાવરકુંડલાની ફ્રેન્‍ડઝ કો-ઓપ હાઉસીંગ સોસાયટી દ્વારા મકાનો બનાવીને શરતભંગ કરીને રાજકીય ઓથ નીચે સરકારી તંત્ર સાથે છેતરપીંડી કરતા હોવા બાબતે સાવરકુંડલાના આરટીઆઇ એકટીવીસ્‍ટ અને વ્‍હીસલ બ્‍લોઅર ડો. આર. યુ.મેહતા દ્વારા સને ર૦૦૯માં તમામ સરકારી કચેરીઓમાં પુરાવાઓ સાથે ફરીયાદ કરી હતી. તે અંગેકાર્યવાહી કરવાને બદલે ઉલટાનું  આ નિયમભંગ કરનારાઓ સાથે મીલીભગત/ સાંઠગાંઠ કરીને સરકારી કચેરીઓ દ્વારા રાજકીય મીલીભગતથી, આ અરજદાર ઉપર જ દબાણના નામે કાર્યવાહી કરીને, પોલીસ કેસો કરીને જેસીબીથી હુમલાઓ કરીને, ધામધમકીઓ આપીને દબાવી દેવા અનેક પ્રયત્‍નો કર્યા તથા રાજકીય, સામાજિક રીતે હેરાન કરવામાં કોઇ કરાર બાકી ન રાખી પરંતુ આ સીન્‍ડીકેટની પરવા કર્યા વિના સત્‍યની લડાઇ લડીને તેમજ કાયદાકીય પ્રક્રિયાઓ કરીને ૧૪ વર્ષે આ કૌભાંડનો પર્દાફાશ કરીને તથા સરકારી તંત્રને નુકશાન કરનારાઓને બે-નકાબ કરીને રૂા. પ કરોડ જેવી રકમ સરકારમાં ભરવા હુકમ કરાવવામાં સફળતા મેળવી છે. આ હુકમ અમરેલી નિવાસી અધિક કલેકટરે કર્યો છે.

સરકારને કરવાની થતી કાર્યવાહી અને સરકારને થતા ફાયદાની બાબત હોવા છતાં મસમોટા સરકારી પગાર લેતી તમામ સરકારી કચેરીઓ દ્વારા અરજદારને મદદ કરવાને બદલે નિયમભંગ કરનારને છાવરવાની રીત અપનાવવા સાથે ઉલટાનું અરજદાર ઉપર જ હુમલાઓવાળી કાર્યવાહીઓ કરવા ઉપરાંત ચારે તરફ બદનામ કરી દેવાની પોલીસી અપનાવી. જેમાં ‘‘વારંવાર એકની એક રજુઆત કરે છે'', ‘‘કોઇ કચેરીએ અરજદારની વાત ગ્રાહય રાખી નથી'', ‘‘અરજી કરવાની ટેવ વાળા છે'', ‘‘વેરઝેર કરે છે'', ‘‘કચેરીનો સમય બગાડે છે'' વગેરે વગેરે ઉપરાંત કલેકટર કચેરી, અમરેલી દ્વારા બ્‍લેક લીસ્‍ટમાં નાખી દેવાની કોશિશ કરી અને છેલ્લે માહિતી માગવા ઉપર પણ પ્રતિબંધ લગાવડાવી દીધો. પરંતુ સરકાર દ્વારા જે સ્‍લોગને અપનાવેલ છે ‘‘સત્‍યમેવ જયતે'' તે મુજબ અંતે સત્‍યનો વિજય થઇને સરકારને રૂા.પ કરોડ જેવી રકમ ભરવા હુકમ થયેલ છે. તેથી આવા નિયમભંગ કરનારાઓમાં ફફડાટ થયેલ છે.

સાવરકુંડલાના આરટીઆઇ એકટીવીસ્‍ટ અને વ્‍હીસલ બ્‍લોઅર ડો. આર.યુ.મહેતા જણાવે છે કે, અનેક અવરોધો, પીડાઓ સહન કરીને અને અનેક વર્ષોની મહેનતથી સ્‍વ.ખર્ચે પાર પાડેલ આ અભિયાન થી સરકાર એટલે કે જનતા-જનાર્દન ને થયેલ રૂા. પ કરોડનો કાયદો તેમના તરફથી એક જાતની સેવા અને દાન/ડોનેશન જ છે, કે ઇશ્વરને સમર્પિત છે.

(1:46 pm IST)