Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પોરબંદરમાં દારૂના અડ્ડાઓ બંધ નહી કરાય તો આંદોલન કરવા અર્જુનભાઇ મોઢવાડીયાની ચીમકી

બુટલેગર દ્વારા હુમલાના પીડિત પરિવારના સભ્‍યોની વ્‍યથા જાણતા ધારાસભ્‍ય

પોરબંદર તા. ૪ : બુટલેગર દ્વારા હુમલામાં ઘવાયેલા ૩ તરૂણો અને તેના પરિવારની મુલાકાતે ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા દોડી જઇને વ્‍યથા જાણીને શહેરમાં દારૂ અડા બંધ નહી કરાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી

પોરબંદરના સુભાષનગર વિસ્‍તારના ત્રણ તરૂણો ઉપર તે જ વિસ્‍તારના બુટલેગરની ટોળીએ હુમલો કરતા ઇજાગ્રસ્‍ત તરૂણો અને તેના પરિવારને મળીને પોરબંદરના ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની અને બુટલેગરો સામે કાર્યવાહી કરીને દારૂના અડાઓ બંધ નહી કરાય તો આંદોલન કરવાની પોલીસ તંત્રને ચેતવણી આપી હતી

નવીબંદર ખારવા સમાજના ત્રણ તરૂણો ભાદરઆઇ માતાજીની દેગ પ્રસાદી કાર્યક્રમમાંથી પરત આવીને ચોપાટી ઉપર બેઠા હતા. ત્‍યારે પવન નામનો નામચીન બુટલેગર અને તેના ત્રણ સાગરીતોએ આ સુભાષનગરના ત્રણેય તરૂણો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આજે અર્જુનભાઇ મોઢવાડીયાએ પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યવાહક પ્રમુખ તથા સુભાષનગર નવીબંદરો ખારવા સમાજના વાણોટ શ્રી હરીશ તુંબડીયાની સાથે ત્રણેય તરૂણો અને તેમના પરિવારજનોને મળીને બનાવની વ્‍ગિતો મેળવી હતી. શ્રી અર્જુનભાઇ સમક્ષ પીડિત તત્‍વોને ત્રાસ અંગે વિગતવાર રજુઆત કરતા જણાવ્‍યું હતું કે આ પવન નામના નામીચન બુટલેગર અગાઉ પણ વણાકબારા સમાજના આગેવાન સહિત અનેક લોકો ઉપર હુમલાઓ કર્યા હતા. તેમની સામે અનેક ફરિયાદો હોવા છતાં પોલીસ તેમની સામે પગલાં લેવાને બદલે છાવરવાનું કામ કરે છે. વિશેષમાં સુભાષનગર વિસ્‍તારમાં બુટલેગરો લઠ્ઠા જેવો દારૂ વેચીને વિસ્‍તારના યુવાનો બુજુર્ગને ધીમા મોતને મારવાનું કામ કરે છે. સુભાષનગરમાંથી કાયમી ધોરણે દારૂ વેચવાની બદી બંધ કરાવવાની પણ સમાજની મહિલાઓને આગેવાનોએ માંગણી કરી હતી.

શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા તુર્ત જ ઉચ્‍ચ અધિકારીઓ સાથે ટેલીફોનીક વાતચીત કરીને બુટલેગરો સામે તાકીદે સખત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જો સુભાષનગર વિસ્‍તારમાં આવી જ સ્‍થિતિ ચાલુ રહી તો ના છુટકે જન આંદોલનની આગેવાની લેવાની ચેતવણી આપી હતી.

(1:12 pm IST)